વન વિભાગ ટૅન્કર દ્વારા તેમ જ અન્ય રીતે કુંડમાં ભરે છે પાણી
સાસણ ગીરના જંગલમાં કુંડમાંથી પાણી પી રહેલો સિંહ.
ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા સરજાતી હોય છે ત્યારે ગુજરાતમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સાસણ ગીરના જંગલમાં સિંહ સહિતનાં પ્રાણીઓને પીવાના પાણી માટે તકલીફ ન પડે એ માટે વન વિભાગ પીવાના પાણીની વ્યવસ્થા કરીને વન્ય પ્રાણીઓને માટે ઊભા કરાયેલા ૪૫૧ જેટલા કૃત્રિમ પીવાના પાણીના કુંડ દ્વારા તરસ છિપાવવાનું સદ્કાર્ય કરી રહ્યો છે.
ADVERTISEMENT
પાણીના કુંડ પાસે પવનચક્કી.
સાસણ ગીરના જંગલમાં સિંહ સહિત ૪૧ પ્રજાતિનાં સસ્તન પ્રાણીઓ, ૪૭ પ્રજાતિના સરીસૃપ તેમ જ ૩૩૮ પ્રજાતિનાં દેશીવિદેશી પક્ષીઓ વસવાટ કરે છે. ગીર જંગલમાંથી શેત્રુંજી, હિરણ, શિંગોડા, મચ્છુદ્રી, રાવલ, ધોડાવડી અને ધાતરવડી જેવી નદીઓ વહે છે અને માણસોની સાથે- સાથે પશુપંખીઓ માટે પણ પાણીનો કુદરતી સ્રોત પૂરો પાડે છે. ગીરમાં હાલમાં કુલ ૬૧૮ પાણીના પૉઇન્ટ આવેલા છે, એમાંથી ૧૬૭ કુદરતી છે અને ૪૫૧ કૃત્રિમ પૉઇન્ટ છે. સૌર ઊર્જા દ્વારા ૧૬૩ પૉઇન્ટ, શ્રમયોગી દ્વારા ૧૧૯ પૉઇન્ટ, પાણીનાં ટૅન્કરો દ્વારા ૮૦, પવનચક્કીની મદદથી ૬૯ અને અન્ય રીતે ૨૦ પાણીના કુંડ ભરવામાં આવે છે. ગીર જંગલમાં પાણીના પૉઇન્ટનું વ્યવસ્થાપન કરીને વન્ય જીવના સંરક્ષણની કામગીરી દ્વારા વન વિભાગ અબોલ જીવોની તરસ છિપાવી રહ્યો છે.