આ વખતે પહેલી વાર છએછ બેઠક નરેન્દ્ર મોદીની પાર્ટીને મળી હોવાથી કચ્છીઓએ પ્રધાનપદની આશા રાખી હતી
ગઈ કાલે સાંજે પ્રધાનમંડળની પહેલી બેઠકને સંબોધી રહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કચ્છના મતદારોએ ખોબલેખોબલા ભરી વોટ આપીને કચ્છની ૬માંથી ૬ બેઠકો પર બીજેપીને વિજય અપાવ્યો છે, પણ ગઈ કાલે ગુજરાતમાં બીજેપીની નવી સરકારના પ્રધાનમંડળની શપથવિધિ યોજાઈ એમાં કચ્છના એક પણ વિધાનસભ્યને પ્રધાનમંડળમાં પ્રતિનિધિત્વ મળ્યું નથી. નોંધનીય વાત એ છે કે આ વખતની ચૂંટણીમાં પહેલી વાર બીજેપીનો તમામ સીટ પર વિજય થયો છે. નરેન્દ્ર મોદીની લહેર ટોચ પર હતી એ વખતે પણ કચ્છે બીજેપીને ૬માંથી ૪ બેઠકો આપી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કચ્છની અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપરની ૬ બેઠકો પર ભારે રસાકસી રહી હતી. કચ્છના મતદારોએ જાણે બીજેપીને કચ્છમાં ક્લીન-સ્વીપ અપાવવાનું નક્કી કર્યું હોય એમ કચ્છના મતદારોએ બીજેપીમાં ભરોસો મૂકીને કચ્છ જિલ્લાની છએછ બેઠકો પર ભગવો લહેરાવ્યો છે. કચ્છમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વાર બન્યું છે એવું કે કચ્છની છએછ બેઠકો પર બીજેપીના ઉમેદવારો જીત્યા છે. કચ્છની તમામ ૬ બેઠકો પર બીજેપીનો વિજય થતાં કચ્છ સહિત ગુજરાતમાં એવી ચર્ચાએ જોર પકડ્યું હતું અને સંભાવના વ્યક્ત થઈ રહી હતી કે અબડાસા બેઠકના વિજેતા પ્રધ્યુમનસિંહ જાડેજા, માંડવી બેઠકના વિજેતા અનિરુદ્ધ દવે અને ગાંધીધામ બેઠકનાં વિજેતા માલતી મહેશ્વરીમાંથી એકને પ્રધાનમંડળમાં જગ્યા મળી શકે છે, પણ એવું થઈ શક્યું નથી.
ADVERTISEMENT
અત્યાર સુધી એવું બન્યું છે કે કચ્છમાંથી ઘણા વિધાનસભ્યોને પ્રધાનમંડળમાં સ્થાન મળતું આવ્યું છે. ગઈ ટર્મમાં ડૉ. નીમા આચાર્યને વિધાનસભાનાં અધ્યક્ષ બનાવાયાં હતાં. વાસણ આહિર પણ લાંબા સમય સુધી પ્રધાન તરીકે રહ્યા છે. જોકે કચ્છના લોકોને વિશ્વાસ છે કે કોઈ વાંધો નહીં, અગામી સમયમાં જ્યારે પણ ગુજરાત સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ થશે ત્યારે એમાં કચ્છના વિધાનસભ્યોને સ્થાન મળશે, એટલું જ નહીં, કચ્છને પ્રધાનમંડળમાં પ્રતિનિધિત્વ નહીં મળતાં સોશ્યલ મી ડિયામાં કચ્છના ૬ વિધાનસભ્યોને લઈને એવી પણ ખુમારીપૂર્વકની પોસ્ટ થઈ છે કે ‘જો પ્રજાનાં કામ કરશો તો સવાયા પ્રધાન બની શકશો. આ છે કચ્છની ખુમારી.’