મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં સામાન્ય, મધ્ય સત્ર અને પેટાચૂંટણીમાં ૫૦૮૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણીજંગ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત ૬૮ નગરપાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય તેમ જ મધ્ય સત્ર અને ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી માટે આજે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાશે જેમાં ૫૦૮૪ ઉમેદવાર વચ્ચે ચૂંટણીજંગ ખેલાશે.
ગુજરાતમાં જુદી-જુદી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં સામાન્ય, મધ્ય સત્ર અને પેટાચૂંટણી યોજાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૭૦૩૬ ઉમેદવારી-ફૉર્મ ભરાયાં હતાં એ પૈકી ૧૨૬૧ અમાન્ય રહ્યાં હતાં તેમ જ ૪૭૮ ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચતાં હવે ૫૦૮૪ ઉમેદવાર હરીફાઈમાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૨૧૩ બેઠક બિનહરીફ જાહેર થઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકાના ૧૫ વૉર્ડની કુલ ૬૦ બેઠક પૈકી વૉર્ડ નંબર ૩ અને ૧૪ સંપૂર્ણ બિનહરીફ જાહેર થયા છે. બાકીના વૉર્ડોની બાવન બેઠક માટે ચૂંટણી યોજાશે જેમાં ૧૫૭ ઉમેદવાર હરીફાઈમાં છે.
ADVERTISEMENT
૬૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં કુલ ૧૮૪૪ બેઠક પૈકી ૧૬૭ બેઠક બિનહરીફ થતાં ૧૬૭૭ બેઠક પર ચૂંટણી યોજાશે. આ બેઠકો માટે કુલ ૪૩૭૪ ઉમેદવાર હરીફાઈમાં છે. ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ૧૭૮ ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાશે.
અમદાવાદમાં ઘાટલોડિયા વૉર્ડની ૧, ભાવનગર તેમ જ સુરત મહાનગરપાલિકાની એક-એક મળીને કુલ ૩ બેઠક માટે પેટાચૂંટણી યોજાશે જેમાં કુલ ૧૭ ઉમેદવાર છે. આ ઉપરાંત બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓમાં મધ્ય સત્ર ચૂંટણી યોજાશે, જેમાં કુલ ૭૨ બેઠક પૈકી ૨૩ બેઠક બિનહરીફ થઈ છે અને હવે ૪૯ બેઠક પર ૧૦૧ ઉમેદવાર વચ્ચે ચૂંટણીજંગ ખેલાશે.

