આજકાલ રાહુલ ગાંધીની એક ચૂંટણીસભામાં રાહુલ ગાંધીના હિન્દી ભાષણનું ગુજરાતી ભાષાંતર કરવાનો મામલો એકદમ હાઈ સ્પીડમાં વાઇરલ થઈ રહ્યો છે
ઇધર-ઉધર કી
રાહુલ ગાંધી અને ભરતસિંહ સોલંકી
દાયકાઓથી ચાલ્યા આવતા શ્રીરામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલીને બીજેપીએ ભલે અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ શરૂ કરીને પોતે રામભક્ત પાર્ટી હોવાનું બિરુદ મેળવ્યું હોય; પણ સાચા અર્થમાં રામભક્ત એવી જો કોઈ પાર્ટી હોય તો એ કૉન્ગ્રેસ છે. બીજેપી મોદી-શાહ-યોગી જેવા નેતાઓ, શિસ્તબદ્ધ કૅડર, દરેક બૂથ-દરેક પેજનું મૅનેજમેન્ટ કરતા સન્નિષ્ઠ કાર્યકરો જેવાં ફૅક્ટર્સને આધારે ચાલે છે, જ્યારે કૉન્ગ્રેસ માત્ર અને માત્ર ભગવાન શ્રીરામના ભરોસે ચાલે છે.
આજકાલ રાહુલ ગાંધીની એક ચૂંટણીસભામાં રાહુલ ગાંધીના હિન્દી ભાષણનું ગુજરાતી ભાષાંતર કરવાનો મામલો એકદમ હાઈ સ્પીડમાં વાઇરલ થઈ રહ્યો છે. સૌથી પહેલો મુદ્દો તો એ કે પંદર-પંદર વર્ષથી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ જોઈને જે પ્રજાનું હિન્દી ગુજરાતી કરતાં પણ સારું થઈ ગયું હોય એ પ્રજા સમક્ષ હિન્દી ભાષણનું ગુજરાતીમાં ભાષાંતર કરવાની જરૂર જ ક્યાં હતી? બીજો મુદ્દો : આજના નેતાઓના ભાષણમાં પ્રજાને ફદિયાનોય રસ નથી હોતો. વર્ષોથી નરેન્દ્ર મોદીની પિન પંડિત નેહરુ પર ચોંટી ગઈ છે અને રાહુલ ગાંધીની વીર સાવરકર પર. આવી એકની એક વાતો સાંભળીને લોકો કોથળામાં મૂકેલી કેરીની જેમ પાકી ગયા છે. જે ખૂબ પ્રભાવશાળી અને જોશીલા વક્તા કહેવાય છે એવા નરેન્દ્ર મોદીની રૅલીમાં જંગી મેદની દેખાય એ માટે હજારોની સંખ્યામાં મફત એસટી બસો દોડાવીને પબ્લિકને લાવવી પડે છે; ત્યાં ઍવરેજ કક્ષાના વક્તા એવા રાહુલ ગાંધીનું ભાષણ સાંભળવા તો કોણ આવે? અને ગુજરાત-કૉન્ગ્રેસ પોતાના ગાંઠના ખર્ચે જે લોકોને પકડીને લઈ આવે છે તેમને રાહુલ ગાંધી શું બોલે છે કે શા માટે બોલે છે એ સાંભળવામાં-જાણવામાં શો રસ હોય?
ADVERTISEMENT
રાહુલ ગાંધીના ભાષણનું ગુજરાતી ભાષાંતર કરવાની ‘ગૌરવવંતી’ કામગીરી કરનારા ભરતસિંહ સોલંકી બે-ચાર લીટીઓનું ભાષાંતર કરીને બેસી ગયા, કારણ કે તેમને પણ લાગ્યું હશે કે સામે બેઠેલી પ્રજા આ ભાષણ ન સમજે એમાં તેમનું પણ હિત સમાયેલું છે અને ગુજરાત-કૉન્ગ્રેસનું પણ.