મહેસાણા જિલ્લામાં ખેરાલુ તાલુકાનાં ત્રણ ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો : દાહોદના ફતેપુરા અને ગાંધીનગર જિલ્લાના કલોલમાં બે જૂથ વચ્ચે ઝપાઝપી
Gujarat Election
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના મતદાનમથકમાં પોતાનો મત આપવા લાઇનમાં ઊભેલા મતદારો
પંચમહાલમાં કૉન્ગ્રેસના ઉમેદવારના વાહનમાં તોડફોડની ઘટનાને બાદ કરતાં ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે બીજા તબક્કાનું મતદાન યોજાયું
ગુજરાતમાં વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે ગઈ કાલે યોજાયેલા મતદાનમાં પહેલા તબક્કાની જેમ ઓછું મતદાન થયું છે. મળતી માહિતી મુજબ બીજા તબક્કામાં સરેરાશ ૫૯થી ૬૨ ટકા મતદાન થયું હોવાની વિગતો બહાર આવી છે. નબળા મતદાનના કારણે એવું લાગી રહ્યું છે કે મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા બાદ હવે મોંઘવારીની ઝાળ જાણે કે ગુજરાતના મતદાનને પણ લાગી ગઈ છે કે શું? બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતનાં કેટલાંક સ્થળોએ માથાકુટની ઘટનાઓને બાદ કરતા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂરું થયું હતું.
ADVERTISEMENT
ગુજરાતમાં ગઈ કાલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ૧૪ જિલ્લાઓની ૯૩ બેઠકો પર બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું, જેમાં ૮૩૩ ઉમેદવારોના રાજકીય ભાવિ ઈવીએમમાં સીલ થયા છે. જોકે બીજા તબક્કામાં થયેલા ઓછા મતદાને રાજકીય પક્ષોની ઊંઘ ઉડાડી દીધી છે. જે રીતે સરેરાશ મતદાનના આંકડા બહાર આવી રહ્યા છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે મતદારો મતદાનમથકમાં જઈને નોટાનું બટન દબાવવાથી પણ વિમુખ રહ્યા અને લોકશાહીમાં લોકભાગીદારીથી મતદારો અળગા રહ્યાનું ચિત્ર ઊપસ્યું છે. અમદાવાદમાં મતદાનની સરેરાશ ટકાવારીએ ચિંતા ઉપજાવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બે દિવસ રોડ-શો કર્યા પછી અને ચૂંટણીસભા યોજાયા પછી પણ અમદાવાદમાં મતદાન વધ્યું નહીં.
અમદાવાદમાં મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના મહંત ભગવતપ્રિયદાસજી સ્વામી સહિતના સંતોએ મતદાન કર્યું હતું
ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ કહ્યું હતું કે ‘બે-ત્રણ જગ્યાએ નાની-મોટી ઘટનાઓ બની. એ સિવાય તમામ જગ્યાએ મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. દાહોદ જિલ્લાના ફતેપુરા અને ગાંધીનગર જિલ્લાના કલોલ વિસ્તારમાં બે જૂથ વચ્ચે ઝપાઝપીની ઘટના બની હતી. પંચમહાલ જિલ્લામાં કૉન્ગ્રેસના ઉમેદવારના વાહનમાં તોડફોડની ઘટના જાણવા મળી છે. બીજી તરફ મહેસાણા જિલ્લામાં ખેરાલુ તાલુકાના વરેઠા, ડાવોલ અને ડાલીસણા ગામમાં લગભગ ૫૦૦૦ જેટલા મતદારો મતદાનથી દૂર રહ્યા હોવાની જાણકારી મળી છે.’
ચૂંટણી તંત્રને ૩૧૨ જેટલી નાની-મોટી ફરિયાદો મળી હતી. વિવિધ રાજકીય પક્ષો દ્વારા ૨૭ ફરિયાદ તેમ જ અન્ય રીતે ૨૮ ફરિયાદો મળી હતી. ૮૭ મતદાનમથકોમાં બૅલટ યુનિટ, ૮૮ કન્ટ્રોલ યુનિટ અને ૨૮૨ વીવીપેટ રીપ્લેસ કરવામાં આવ્યાં હતાં. ૨૬,૪૦૯ મતદાનમથકોમાંથી ૧૩,૩૧૯ મતદાનમથકોનું લાઇવ વેબકાસ્ટિંગ કરાયું હતું.