વારાહી એપીએમસીમાં ૨૦ કિલો જીરુંનો ૯૬૦૦ રૂપિયાનો ઐતિહાસિક ભાવ મળ્યો હતો
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું હતું, પરંતુ માવઠાના માર વચ્ચે પણ ગઈ કાલે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલી વારાહી એપીએમસીમાં ૨૦ કિલો જીરુંનો ૯૬૦૦ રૂપિયાનો ઐતિહાસિક ભાવ મળ્યો હતો. એપીએમસીના ઇતિહાસમાં આવું પહેલી વાર બનતાં ખેડૂતોમાં ખુશીની લહેરખી ફેલાઈ ગઈ હતી.
ગુજરાતમાં આ વખતે માવઠાનો માર વાગ્યો પણ જીરુંએ જિવાડ્યાની ખેડૂતોમાં લાગણી ફેલાઈ છે; કેમ કે આ વખતે ગુજરાતમાં ઊંઝા, થરાદ, રાધનપુર સહિતનાં માર્કેટ યાર્ડમાં આ વખતે જીરુંનો સારો ભાવ મળી રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : કેસર કેરી મોડી પણ, મોંઘી પણ
વારાહી એપીએમસીના ચૅરમૅન ભેમાભાઈ ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જીરાના આટલા ઊંચા ભાવ ઇતિહાસમાં પહેલી વાર મળ્યા છે. ગઈ કાલે અંદાજે ૬૦૦ જેટલી બોરીની આવક થઈ છે જેમાં ૯૬૦૦થી ૮૦૦૦ રૂપિયાના ભાવ પ્રતિ ૨૦ કિલોએ ખેડૂતોને મળ્યા છે. અમારો વિસ્તાર સાંતલપુર ડેઝર્ટ એરિયા છે, સૂકો વિસ્તાર છે એટલે સારું ઉત્પાદન થયું છે.’
માર્કેટ યાર્ડમાં આટલો ઊંચો ભાવ આવવા વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘જીરાની જે ક્વૉલિટી જોઈએ એ અમારા વિસ્તારના જીરાની છે. ક્વૉલિટી બેઝ્ડ જીરું હોવાથી ભાવ મળ્યા છે. બીજું એ કે આ વખતે માવઠાના કારણે ઉત્પાદન ઓછું થયું છે, વાવેતર ઓછું થયું છે અને સામે ડિમાન્ડ વધુ છે. પ્રોડક્શન અપેક્ષા મુજબ થયું નથી. આ ઉપરાંત જીરું એક્સપોર્ટ પણ થાય છે એટલે માલની શૉર્ટેજ છે. આ વખતે અમારે ત્યાં જ નહીં ગુજરાતમાં ઘણાંબધાં માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ ઊંચા મળ્યા છે.’
રીટેલ બજારમાં જીરાના ભાવ ઊંચકાવાની સંભાવના
જીરાના ઊંચા ભાવે ખેડૂતોને ખુશ કરી દીધા છે, પરંતુ જીરાના ભાવ ગૃહિણીઓને નાખુશ કરે એવી શક્યતાઓ જણાઈ રહી છે. જીરાનો ભાવ ઊંચે જતાં અને ઉત્પાદન ઓછું હોવાના કારણે રીટેલ બજારમાં જીરાના ભાવ ઊંચકાવાની સંભાવના છે.