રાજકોટમાં 1500 રૂપિયામાં કોરોના નેગેટિવના બોગસ રિપોર્ટ વેચનાર પકડાયો
પ્રતીકાત્મક તસવીર
રાજકોટ શહેરમાં લોકોને કથિત રીતે બનાવટી કોવિડ-19 નેગેટિવ રિપોર્ટ વેચતા લૅબોરેટરી એજન્ટ સામે એફઆઇઆર નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યાનુસાર આરોપી પરાગ જોશી કોવિડ-19 નેગેટિવ સર્ટિફિકેટની જરૂર હોય તેવા લોકોને ૧૫૦૦ રૂપિયામાં એ મેળવી આપવાની વ્યવસ્થા કરતો હતો. ડેપ્યુટી મેડિકલ ઑફિસર ડૉક્ટર પરાગ ચુનારાએ કરેલી ફરિયાદને આધારે પરાગ જોશીની ધરપકડ કરાઈ હતી. પરાગ જોશી સૅમ્પલ કલેક્શન સેન્ટર ચલાવતો હતો અને લોકોના સ્વેબ સૅમ્પલ લીધા વિના જ તેમને કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ વેચતો હતો. આ માટે તે જેનો રિપોર્ટ મેળવવાનો હોય તેના દસ્તાવેજો સાથે જુદા જ સ્વેબ સૅમ્પલ મોકલતો હતો, જેને પગલે લૅબોરેટરીમાંથી જેના દસ્તાવેજો હોય તેના નામનો રિપોર્ટ મેળવી શકાતો હતો. આ આરોપી સૅમ્પલ કલેક્શન સેન્ટર ચલાવવાનું લાઇસન્સ પણ ધરાવતો નહોતો.

