ગુજરાત કૉન્ગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો દાવો
શક્તિસિંહ ગોહિલ
ગુજરાતમાં તાજેતરના સમયગાળામાં ૧૦૦થી વધુ રત્નકલાકારોએ આત્મહત્યા કરી હોવાનો દાવો ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સંસદસભ્ય શક્તિસિંહ ગોહિલે ગઈ કાલે કરીને કહ્યું હતું કે મંદીને કારણે તેમનો કોઈ હાથ પકડનાર નથી.
શક્તિસિંહ ગોહિલે પ્રેસ-કૉન્ફરન્સમાં હીરાઉદ્યોગમાં ચાલી રહેલી કટોકટી વિશે વાત કરતાં દાવો કરીને આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘હીરાઉદ્યોગમાં ઊભી થયેલી કટોકટીને કારણે હીરા ઘસતા કારીગરોએ આત્મહત્યા કરવી પડી છે. કટોકટી ઊભી થઈ હોવા છતાં કેન્દ્ર કે રાજ્ય સરકાર પણ હીરાના કારીગરો કે હીરા ઉદ્યોગોને બચાવવા ચિંતા કરતાં નથી. હજારો કારીગરોએ કામ ગુમાવ્યું છે. ઊભી થયેલી મંદીને કારણે કારીગરોનું શોષણ થઈ રહ્યું છે. ફરજિયાત રજા અને પગારમાં ઘટાડા તથા બિનજરૂરી વેકેશન કારીગરોને આપવામાં આવી રહ્યાં છે.’
ADVERTISEMENT
અમારી માગણી છે કે કૉન્ગ્રેસની સરકારમાં ૧૯૯૨માં રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવાયું હતું જે ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકારે બંધ કરી દીધું છે એ રત્નકલાકાર કલ્યાણ બોર્ડ ફરી બનાવવામાં આવે અને જે રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે તેમના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે. જે રત્નકલાકારો પાસેથી વ્યવસાય-વેરો લેવામાં આવે છે એ બંધ કરવામાં આવે તેમ જ રત્નકલાકારોની નોંધણી કરીને તેમને મળવાપાત્ર ગ્રૅચ્યુઇટી તથા અન્ય સુવિધા વિશેની ચિંતા સરકાર કરે. - શક્તિસિંહ ગોહિલ