ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સ્ટુડન્ટ્સને એવા આંદોલનની વાત કરી જે સાંભળીને કૉલેજિયનો તો ઠીક, કૉલેજનો સ્ટાફ પણ હસવાનું રોકી ન શક્યો
એલ. ડી. કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાં હળવા હાસ્ય સાથે સંબોધન કરી રહેલા ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદમાં આવેલી ગુજરાતની સૌથી જૂની અને જાણીતી એલ. ડી. કૉલેજ ઑફ એન્જિનિયરિંગનાં ૭૫ વર્ષ પૂરાં થયાં એ પ્રસંગે ડાયમન્ડ જ્યુબિલીની ઉજવણી નિમિત્તે ગઈ કાલે યોજાયેલા સમર્પણ સમારોહમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્ટુડન્ટ્સને એવા આંદોલનની વાત કરી હતી જે સાંભળીને કૉલેજિયનો તો ઠીક, કૉલેજ સ્ટાફ સહિત ઑડિયન્સમાં ઉપસ્થિત સૌકોઈ હસવું રોકી શક્યા નહોતા અને બધા ખડખડાટ હસી પડ્યા હતા.
અમદાવાદની એલ. ડી. કૉલેજ ઑફ એન્જિનિયરિંગની સ્થાપનાનાં ૭૫ વર્ષ પૂરાં થયાં એ બદલ કૉલેજ પરિવારને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુભકામના આપી હતી અને વિદ્યાર્થીઓ સાથે હળવી શૈલીમાં પોતાના કૉલેજકાળ દરમ્યાનની યાદો તાજી કરી હતી. એ સમયે થયેલા આંદોલનની વાત કરતાં ભૂપેન્દ્ર પટેલે હળવા સ્મિત સાથે કહ્યું હતું કે ‘એ સમયે વિદ્યાર્થીઓએ કહ્યું કે કૉલેજ સવારની કરો. કૉલેજ સવારની શા માટે કરવી એની પાછળનું કારણ પાછું એવું હતું કે અત્યારે કહીએ તો મુશ્કેલી પડે એમ છે. પણ ત્યારે એવું કહ્યું હતું કે લેડીઝ કૉલેજ સવારની છે એટલે અમારી કૉલેજ સવારની કરો. આનાંય આંદોલન થયાં છે.’
ADVERTISEMENT
આમ કહેતાં જ ઑડિયન્સમાં બેઠેલા વિદ્યાર્થીઓ, પ્રોફેસરો સહિત કૉલેજનો સ્ટાફ અને આમંત્રિતો પણ હસી પડ્યા હતા અને હૉલમાં હાસ્યનું મોજું ફેલાઈ ગયું હતું. લેડીઝ કૉલેજની વાત કરીને ભૂપેન્દ્ર પટેલ પોતે પણ હસી પડ્યા હતા અને તેમની વાત સાંભળીને સ્ટુડન્ટ્સ સહિતનો સ્ટાફ પણ ખડખડાટ હસી પડ્યો હતો.

