Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જંત્રીના નવા દરનો અમલ મે મહિનાથી કરો

જંત્રીના નવા દરનો અમલ મે મહિનાથી કરો

Published : 07 February, 2023 11:06 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિલ્ડર અસોસિએશનના પ્રતિનિધિઓએ ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળીને કરી રજૂઆત ઃ જંત્રીમાં ૧૦૦ ટકાના વધારાથી મુશ્કેલી સર્જાશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


અમદાવાદ : ગુજરાતમાં રાતોરાત અમલમાં મુકાયેલા જંત્રીના નિર્ણયને હાલ પૂરતો મુલતવી રાખીને જંત્રીનો અમલ મે મહિનાથી કરવા માટે ક્રેડાઇ ગુજરાતના બિલ્ડર અસોસિએશનના પ્રતિનિધિઓએ ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળીને રજૂઆત કરી હતી અને એનાથી ઊભી થનારી પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. ગુજરાતમાં જંત્રીના મુદ્દે વિરોધના સૂર ઊઠ્યા છે ત્યારે ગુજરાત સરકાર જંત્રીના મુદ્દે ફેરવિચારણા કરી શકે છે એવું મનાઈ રહ્યું છે. 


ગુજરાતમાં સરકાર દ્વારા રાજ્યમાં જમીન સહિતની સ્થાવર મિલકતોની જંત્રીના વર્તમાન દરો સુધારીને બમણા કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હાલમાં વર્ષ ૨૦૧૧થી અમલી જંત્રીના ભાવ ૫ ફેબ્રુઆરીથી અમલમાં આવે એ રીતે બે ગણા કરવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા જંત્રીના ભાવ તાત્કાલિક રીતે અમલમાં મૂકતાં વિવાદ સર્જાયો છે. નવી જંત્રીના અમલથી બિલ્ડર લૉબીના આગેવાનોએ નાગરિકોને પડનારી મુશ્કેલીથી વાકેફ કરવા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ગઈ કાલે બેઠક યોજી હતી. કન્ફેડરેશન ઑફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા, ગુજરાત જેને ટૂંકમાં ક્રેડાઇ કહે છે એના સભ્યોએ ભૂપેન્દ્ર પટેલને મળીને રજૂઆત કરીને વાંધાસૂચનો સાથેનું આવેદનપત્ર પણ આપ્યું હતું. ક્રેડાઇના સભ્યોએ મુખ્ય પ્રધાન સાથે બેઠક કર્યા બાદ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી હતી જેમાં અમારી મુખ્ય માગણી હતી કે તાત્કાલિક અસરથી અમલી બનાવવામાં આવેલા જંત્રીનો અમલ ગુજરાતના સ્થાપના દિન ૧ મે ૨૦૨૩થી કરવામાં આવે. સી.જી.ડી.સી.આર. મુજબ પેઇડ એફએસઆઇમાં જંત્રીના ૪૦ ટકાના બદલે નવી જંત્રીના ૨૦ ટકા કરી આપવામાં આવે. નવી શરતમાંથી જૂની શરતમાં જમીન ફેરવવા માટે પ્રીમિયમના દર જંત્રીના ૪૦ ટકાના બદલે નવી જંત્રીના ૨૦ ટકા કરી આપવામાં આવે. કોઈ પણ વિસ્તારની બજાર કિંમત નક્કી કરવા માટે છેલ્લાં ત્રણ વર્ષના વેચાણ વ્યવહારોને વૅલ્યુ ઝોન વાઇઝ વહેંચીને દરેક વૅલ્યુ ઝોનની બજાર કિંમત કાઢીને એ બજાર કિંમતને જંત્રી વૅલ્યુ તરીકે આખરી કરવી જોઈએ. આથી એડહોક ૧૦૦ ટકાનો વધારો ન કરી સાયન્ટિફિક રીતે જંત્રી કરી આપવી. રહેણાક ફ્લૅટ, દુકાનની જંત્રીમાં જૂની જંત્રી પર ફક્ત ૨૦ ટકાનો જ વધારો કરી આપવા રજૂઆત કરી છે.’



પ્રતિનિધિ મંડળના સભ્યોએ વધુમાં કહ્યું હતું કે ‘જો જંત્રીમાં વધારો થાય તો ડીએસટી, સ્ટૅમ્પ ડ્યુટી, કૅપિટલ ગેઇન ટૅક્સ વગેરેમાં ધરખમ વધારો સામાન્ય પ્રજા પર પડે છે. હાલમાં એવા પ્રકરણો કે જેના વ્યવહારો પૂર્ણતાના આરે છે અથવા અધૂરા છે એવા કિસ્સામાં સામાન્ય માણસ પર આકસ્મિક વધારો બોજ સમાન બની રહેશે. ઘણા કિસ્સામાં ડેવલપર્સ દ્વારા વેચાણ વખતે સ્ટૅમ્પ ડ્યુટી, જીએસટી વગેરે સાથે ગણી ચોક્કસ રકમથી વેચાણ કરેલા હોય છે એવામાં જંત્રી વધી જવાથી ડેવલપર્સ અને ગ્રાહક વચ્ચે વિવાદ થઈ શકે છે, જેથી આ પ્રકારના વ્યવહારો નિયત સમયે પૂર્ણ થાય એ માટે પૂરતો સમય મળી રહે એવા હેતુને ધ્યાનમાં રાખીને નવી જંત્રીનો અમલ ૧ મે ૨૦૨૩થી કરવા રજૂઆત કરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2023 11:06 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK