પરિકલ્પનાના પાંચ સ્તંભોના આધારે ગુજરાતની બીજેપી સરકારે મોંઘવારીના સમયમાં કરબોજ વગરનું બજેટ રજૂ કર્યું, નાણાપ્રધાન કનુ દેસાઈએ ૩,૦૧,૦૨૨ કરોડ રૂપિયાનુ અંદાજપત્ર રજૂ કર્યું , અંદાજપત્રીય જોગવાઈઓમાં ૨૩.૩૮ ટકાનો વધારો
Gujarat Budget
ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરવા આવી પહોંચેલા ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઇ.
અમદાવાદ : મોંઘવારીના સમયમાં ગઈ કાલે ગુજરાત વિધાનસભાગૃહમાં ગુજરાત સરકારે કરબોજ વગરનું બજેટ રજૂ કર્યું હતું. ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈએ ૩,૦૧,૦૨૨ કરોડ રૂપિયાનુ અંદાજપત્ર રજૂ કર્યું હતું, જેમાં અંદાજપત્રીય જોગવાઈઓમાં ૨૩.૩૮ ટકાનો વધારો થયો છે.
વિધાનસભાગૃહમાં પરિકલ્પનાના પાંચ સ્તંભોના આધારે ગુજરાતની બીજેપી સરકારે બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ રજૂ કરતાં ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈએ ગૃહમાં કહ્યું હતું કે ‘ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલાં અનેકવિધ પગલાંઓને કારણે રાજ્યના અર્થતંત્ર પરની વિપરીત અસર હવે મહદંશે દૂર થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતની સંકલ્પનામાં ગુજરાત નવી સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આ વિકાસયાત્રા અવિરત રહે એ માટે આ અંદાજપત્રમાં વિદ્યમાન વેરાના દરમાં કોઈ પણ ફેરફાર ન કરવાની કે નવા કોઈ વેરા ન નાખવાની જાહેરાત કરું છું.’
ADVERTISEMENT
તેમણે કહ્યું કે ‘ગુજરાતના વેગવંતા વિકાસની અમારી પરિકલ્પનાના પાંચ મુખ્ય સ્તંભ છે. વિકાસનો પહેલો સ્તંભ સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગને પાયાની સુવિધાઓ સાથે સામાજિક સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો છે. સમતોલ વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે માનવ સંસાધનનો વિકાસ દ્વિતીય સ્તંભ છે. જનસુખાકારી તેમ જ આર્થિક સમૃદ્ધિને વધારે સુદૃઢ બનાવવા, વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સવલતો ઊભી કરવી એ અમારો તૃતીય સ્તંભ છે. ખાનગી રોકાણને પ્રોત્સાહન આપી કૃષિ, ઔદ્યોગિક અને સેવાક્ષેત્ર, ખાસ કરીને પ્રવાસન ઉદ્યોગ થકી, રોજગારીની નવી તકોનું સર્જન કરવાનો આ વિકાસયાત્રાનો ચોથો સ્તંભ છે. પાંચમો સ્તંભ ગ્રીન ગ્રોથ થકી પર્યાવરણની જાળવણી અને ઉપલબ્ધ સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવાનો છે.’
આ પણ વાંચો: Gujarat Budget 2023: મજૂરોને 5 રૂ.માં ભોજન અને દ્વારકામાં એરપોર્ટ જેવી જાહેરાત
કનુ દેસાઈએ વધુમાં કહ્યું કે ‘આવનારી પેઢીના ભવિષ્ય માટે વિવેકપૂર્ણ અને ગુણવત્તાયુક્ત રોકાણ સ્વરૂપે અંદાજપત્રીય જોગવાઈઓમાં ૨૩.૩૮ ટકાનો વધારો લઈને આવ્યા છીએ. આ અંદાજપત્રમાં મૂડીખર્ચમાં વધારો કરીને ૭૨,૫૦૯ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જે ગયા વર્ષ કરતાં ૯૧ ટકા વધુ છે. મૂડીખર્ચમાં આ વધારો ગુજરાતની વિકાસયાત્રામાં એક સીમાચિહ્ન બની રહેશે એવી મને ખાતરી છે. ૨૦૨૩-’૨૪ના અંદાજપત્ર મુજબ મહેસૂલી હિસાબ પર પુરાંત ૯૦૩૮.૩૦ કરોડ રૂપિયા હશે. મહેસૂલી હિસાબ સાથે મૂડીહિસાબ અને ચોખ્ખો જાહેર હિસાબ ગણતરીમાં લેતાં ૨૦૨૩-’૨૪નો અંદાજ ૯૧૬.૮૭ કરોડ રૂપિયાની એકંદર પુરાંત દર્શાવે છે.’
બજેટમાં શું ખાસ છે?
ગુજરાત સરકારે ગઈ કાલે વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા બજેટમાં શ્રમિકો માટે નવી યોજનાની જાહેરાત કરી છે, જેમાં શ્રમયોગીઓના કલ્યાણ માટે મુખ્ય પ્રધાન શ્રમિક બસેરા યોજના જાહેર કરી છે. કામના સ્થળથી નજીક પાયાની સવલતો સાથેની રહેણાકની વ્યવસ્થા શ્રમિકો માટે ઊભી કરાશે, જેના માટે ૫૦૦ કરોડની જોગવાઈ કરી છે.
ગુજરાતનાં પાંચ પ્રવાસન સ્થળો, સ્ટૅચ્યુ ઑફ યુનિટી, સફેદ રણ–ધોળાવીરા, અંબાજી–ધરોઈ ક્ષેત્ર, ગીર અભ્યારણ્ય–સોમનાથ અને દ્વારકા–શિવરાજપુર બીચને વિકસાવવા માટે અગામી પાંચ વર્ષમાં અંદાજે ૮ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે.
પર્યટન સ્થળોમાં પ્રવાસીઓને આદિજાતિ સંસ્કૃતિની અનુભૂતિ થાય, પ્રકૃતિનો સંગાથ મળે અને એ સાથે આદિજાતિ પરિવારોનો આર્થિક ઉત્કર્ષ થાય એ માટેની હોમ સ્ટે યોજના માટે ૯ કરોડની જોગવાઈ કરી છે.
અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગમાં નવી મેડિકલ કૉલેજ શરૂ કરાશે. નર્સોની ઉપલબ્ધિ વધારવા માટે પાંચ નવી નર્સિંગ કૉલેજની સ્થાપના કરાશે.
દરેક જિલ્લામાં સૅચ્યુરેશન અપ્રોચથી એક જિલ્લા કક્ષાનું અને દરેક જિલ્લાના એક તાલુકામાં તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બનાવાશે.
ભારે ટ્રાફિક ધરાવતા વટામણ–પીપળી, સુરત–સચિન–નવસારી, અમદાવાદ–ડાકોર, ભુજ– ભચાઉ અને રાજકોટ–ભાવનગરને હાઈસ્પીડ કૉરિડોર તરીકે વિકસાવવા માટે ૩૮૪ કરોડની જોગવાઈ કરી છે.
ગાંધીનગર ગિફ્ટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ બનશે.
કચ્છમાં મોટા ચેકડૅમ, તળાવો જેવા જળસંગ્રહના કામ માટે ૮૦ કરોડની જોગવાઈ કરી છે.
ધોળાવીરા, ધરોઈ, નડાબેટ, શિવરાજપુર વગેરે સ્થળોએ ટેન્ટ સિટી વિકસાવાશે.
ગીર વિસ્તારના સંકલિત વિકાસના આયોજનના ભાગરૂપે ગીર અભયારણ્ય તેમ જ વધુ બે લાયન સફારીનો વિકાસ કરવા માટે ૨૭ કરોડની જોગવાઈ કરી છે.