ભૂતપૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયાને તળાજા કોર્ટે છ મહિનાની સજા ફટકારી
પ્રતીકાત્મક તસવીર
ભૂતપૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયાને તળાજાની એક કોર્ટ દ્વારા ૬ મહિનાની સજા ફટકારવામાં આવી છે. તેઓ સ્થાનિક સ્તરે બની રહેલી એક ખાનગી કંપનીના પ્લાન્ટનો વિરોધ કરી રહ્યા હતા. આ કંપનીના વિરોધમાં તેમણે બીજેપીના ધારાસભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું હતું. આ આંદોલનમાં સ્થાનિક સ્તરે તેમની સાથે હજારો લોકો ખાસ કરીને ખેડૂતો જોડાયા હતા. ગાંધીનગર સુધી વિશાળ રૅલી કાઢવામાં આવી હતી, જેમાં પણ સેંકડો ખેડૂતો જોડાયા હતા.
કનુભાઈ કલસરિયાએ ફૅક્ટરીની જમીન પર જઈને વિરોધ કર્યો હતો, જેના પગલે કંપની દ્વારા કંપનીની જમીનમાં બિનકાયદેસર પ્રવેશનો કેસ કનુભાઈ કલસરિયા સહિત ૭ આગેવાનો સામે કર્યો હતો. આ ગુનો સાબિત થતાં કોર્ટ દ્વારા તેમને ૬ મહિનાની સજા ફટકારવામાં આવી હતી. ૫૦૦ લોકોના ટોળા સાથે કંપનીની જમીન પર બિનકાયદેસર પ્રવેશ મુદ્દે લાંબા સમયથી તળાજા કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, જેનો ગઈ કાલે ચુકાદો આપતાં કોર્ટ દ્વારા ૬ મહિનાની સજા ફટકારવામાં આવી હતી.
ADVERTISEMENT
કનુભાઈએ આ વિશે જણાવ્યું કે ‘ખેડૂતની જમીન ખેડૂત પાસે જ રહેવી જોઈએ. કોઈ ઉદ્યોગપતિ ઉદ્યોગના નામે આખા પંથકની જમીનને વાંઝણી કરે એ નહીં ચલાવી લઈએ. અમારું આંદોલન યથાવત્ રીતે ચાલુ જ રહેશે.’

