સૌરાષ્ટ્રના રાણાવાવ પાસે આવેલી ઐતિહાસિક જાંબુવંતી ગુફાથી શરૂ થયેલી પરિક્રમા ચાર દિવસ સુધી ચાલશે : ૯૩ કિલોમીટરની પદયાત્રા કરશે ભક્તો : ચાર પડાવમાં થશે પરિક્રમા
સાધુસંતોની ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસ સાથે બરડા ડુંગરની પરિક્રમા શરૂ થઈ હતી
સૌરાષ્ટ્રમાં ભગવાન શ્રીકૃષ્ણનાં પાવન પગલાં જે ભૂમિ પર પડ્યાં છે એ જગવિખ્યાત બરડા ડુંગરની પરિક્રમા હર્ષોલ્લાસ અને આધ્યાત્મિકતાના માહોલ વચ્ચે ગઈ કાલથી શરૂ થઈ હતી. રાણાવાવ પાસે આવેલી ઐતિહાસિક જાંબુવંતી ગુફાથી શરૂ થયેલી અને ચાર પડાવમાં ચાર દિવસ સુધી ચાલનારી આ પરિક્રમામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા છે.
બરડા ડુંગરની પરિક્રમાના આયોજકો પૈકીના એક માલદેવ ઓડેદરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બરડો ડુંગર દેવભૂમિ છે. એમાં અનેક દેવ-દેવી તથા સંતો બિરાજે છે. ત્રિકમાચાર્ય બાપુ અને વિંધ્યવાસીની આ તપોભૂમિ છે. ગિરનાર પર્વતની પરિક્રમા થાય છે એમ બરડા ડુંગરની પણ પરિક્રમા થાય છે. આ ડુંગર સંતનો ડુંગર છે, પવિત્ર ડુંગર છે. ઘણા બધા સાધુસંતોએ અહીં તપ કર્યું છે. ગિરનાર પર્વતથી પણ આવીને સાધુસંતો અહીં તપ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ પણ અહીં પધાર્યા છે. ઇતિહાસમાં નોંધાયું છે કે જાંબુવંત અને કૃષ્ણ ભગવાનનું યુદ્ધ અહીં થયું હતું. જે જગ્યાએ યુદ્ધ થયું હતું એ જગ્યાનું નામ જાંબુવંતીની ગુફા છે. આવી આ પવિત્ર ભૂમિ પર બરડા ડુંગરની પરિક્રમા ગઈ કાલથી શરૂ થઈ છે. બરડા ડુંગરને ફરતે ૯૩ કિલોમીટરની આ પરિક્રમા ચાર પડાવમાં થાય છે. રાણાવાવથી ૬ કિલોમીટર દૂર આવેલી જાંબુવંતી ગુફાથી પરિક્રમા શરૂ થઈ છે જેમાં મોટી સંખ્યામાં ધાર્મિકજનો જોડાયા છે. જંગલના રસ્તે થઈને ડુંગરને ફરતે થતી આ પરિક્રમાના રસ્તે ધિંગેશ્વર મહાદેવ, બિલેશ્વર મહાદેવ, કષ્ટભંજન હનુમાનજીનું મંદિર સહિતનાં મંદિરો આવે છે જ્યાં દર્શન કરીને આગળ વધતાં ફરી પાછા રાણાવાવ આવીને જાંબુવંતના ભોંયરામાં આ પરિક્રમા ગુરુવારે
પૂરી થશે.’
ADVERTISEMENT
આ પરિક્રમા કરવી એ બધાં દેવી-દેવતાની પરિક્રમા કર્યા બરાબર છે અને લોકોના પુણ્યનું ભાથું બંધાય છે. પરિક્રમાના રૂટમાં આવતાં ગામોમાં ગામજનો પદયાત્રીઓની સેવાસુવિધા સાચવે છે. - માલદેવ ઓડેદરા, આયોજક