ગુજરાત એટીએસે પોરબંદરથી ત્રણ કટ્ટરવાદી યુવાનો અને સુરતથી સુમેરાબાનુ મલેકને ઝડપી લીધાં, ગુજરાત છોડીને અફઘાનિસ્તાન જાય એ પહેલાં જ તેમને ઝડપી લેવાયાં
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
ગુજરાત એટીએસ (ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ)એ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસાન પ્રોવિન્સ (આઇએસકેપી) સાથે સંકળાયેલા અને શ્રીનગરના સૌરામાં રહેતા ત્રણ કટ્ટરવાદી યુવાનો ઉબેદ નાસિર મીર, હનાન હયાત શોલ, મોહમ્મદ હાજીમ શાહ અને સુરતમાં સૈયદપુરામાં રહેતી સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેકની સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે અને શ્રીનગરના કદલના ઝુબેર અહેમદ મુનશીને શોધવાના પ્રયાસ ચાલુ છે.
ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઇએસકેપી સાથે સંકળાયેલા ત્રણ કટ્ટરવાદી યુવાનો ગુજરાતના પોરબંદર દરિયાકાંઠેથી ભારત છોડીને ઈરાન થઈને ઇસ્લામિક એમીરાત ઑફ અફઘાનિસ્તાન જવાની યોજના બનાવી રહ્યા છે. આ માહિતીના આધારે એટીએસે પોરબંદર રેલવે સ્ટેશન પર વૉચ ગોઠવીને આરોપી ઉબેદ નાસિર મીર, હનાન હયાત શોલ, મોહમ્મદ હાજીમ શાહની અટકાયત કરીને પૂછપરછ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે તેઓ તેમના હૅન્ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરપંથી બન્યા હતા અને આઇએસકેપીમાં જોડાયા હતા. આ યુવાનો પાસેથી જાણવા મળ્યું હતું કે શ્રીનગરના ઝુબેર અહેમદ મુનશી અને સુરતમાં રહેતી સુમેરાબાનુ મલેક પણ આ જ મૉડ્યુલના સભ્યો છે અને તેમની સાથે સંકળાયેલા છે, જેથી ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતમાંથી સુમેરાબાનુ મલેકને ઝડપી લીધી હતી. તેના ઘરમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઇએસકેપીના વૉઇસ ઑફ ખોરાસન સહિતનાં ઘણાં રેડિકલ પ્રકાશનો મળી આવ્યાં હતાં.
ADVERTISEMENT
પકાયેલા ત્રણ યુવાનો પાસેથી આઇએસકેપીનાં બૅનરો અને ધ્વજ સાથેના ફોટોગ્રાફસ, અમીરુલમોમીનીનને નિષ્ઠાના શપથ આપતા ચાર કાશ્મીરી યુવાનોના વિડિયો અને ઑડિયો ક્લિપ્સ તેમ જ અન્ય ફાઇલો મળી આવી હતી. આ યુવાનોને તેમના હૅન્ડલર દ્વારા પોરબંદર પહોંચવાની સૂચના આપવામાં આવી હતી અને ત્યાંથી તેઓ પૂર્વ નિર્ધારિત જીપીએસ કો-ઑર્ડિનેટર સુધી પહોંચવાના હતા.