સાબરમતી આશ્રમની કાયાપલટ થશે
સાબરમતી આશ્રમ
વિશ્વભરમાં ટૂંક સમયમાં જ ગુજરાતની આગવી ઓળખ બની ગયેલા સ્ટૅચ્યુ ઑફ યુનિટી બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ મહાત્મા ગાંધીબાપુના સાબરમતી આશ્રમના વિસ્તૃતિકરણ સાથે વિકાસનો છે. એ માટે ગુજરાત સરકારે કવાયત હાથ ધરી છે અને સાબરમતી આશ્રમ સ્મારક પરિસરના વિસ્તૃતિકરણ અને વિકાસ સાથે ગાંધી આશ્રમના નામે ઓળખાતા આ આશ્રમની કાયાપલટ થવાની તૈયારીમાં છે.
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલા અમદાવાદસ્થિત વિશ્વપ્રસિદ્ધ સાબરમતી આશ્રમ સ્મારક પરિસરના વિસ્તૃતિકરણ અને વિકાસના પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે મુખ્ય પ્રધાનના ચૅરમૅનપદે ગવર્નિંગ કાઉન્સીલની રચના કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ સાબરમતી આશ્રમના ડેવલપિંગ માટે અંદાજે ૫૫ એકરમાં વૈશ્વિક સ્તરનું પ્લાનિંગ હાથ ધરાયું છે. જેમાં દાંડીબ્રિજથી લઈને છેક કલેક્ટર કચેરી પાસે આવેલા આરબીઆઇના ફ્લૅટ સુધીના વિસ્તારનું ડેવલપિંગ થશે. આ વિસ્તારમાં ગાંધીબાપુ અને આઝાદીને લઈને અનેકવિધ પ્રોજેક્ટ હાથ ધરાશે તેમ જ બ્યુટિફિકેશન સહિતનાં કાર્યો કરવામાં આવે તેમ છે. આશ્રમનું નવીનીકરણ થયા બાદ સાબરમતી આશ્રમ પાસેથી પસાર થતો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરાશે અને ચંદ્રભાગાના નાળા તરફ વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવશે.
ADVERTISEMENT
તા. ૧૨ માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી રહ્યા છે ત્યારે તેઓ કદાચ સાબરમતી ગાંધી આશ્રમ સ્મારકના વિસ્તૃતિકરણની જાહેરાત કરી શકે છે.
અમદાવાદથી દેશની આઝાદીના અમૃત મહોત્સવનો નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવશે
દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂરાં થવાં જઈ રહ્યાં છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો દેશના વડા પ્રધાન મોદી તા. ૧૨ માર્ચે અમદાવાદમાં સાબરમતી આશ્રમથી પ્રારંભ કરાવશે. મોદી આ પહેલાં સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધીબાપુને પુષ્પાંજલિ અર્પણ કરશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે ‘આ ઉજવણીના આરંભ પ્રસંગે દેશભરમાં અને ગુજરાતમાં પણ એકસાથે ૭૫ સ્થળોએ રાષ્ટ્રપ્રેમ – જનચેતના સભર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.’

