ધમાકો થતાંની સાથે જ ૮૫ મીટર ઊંચા ટાવરનું સ્ટ્રક્ચર નીચે બેસી ગયું હતું.
સુરતમાં ૮૫ મીટર ઊંચો કૂલિંગ ટાવર ધરાશાયી કરાયો
દક્ષિણ ગુજરાતના વડામથક સુરત શહેરના ઉત્રાણમાં આવેલા પાવર સ્ટેશનના જૂના કૂલિંગ ટાવરને ગઈ કાલે સાવચેતીપૂર્વક ડિમોલિશ કરવામાં આવ્યો હતો. જૂના થયેલા ટાવરના ૭૨ પિલ્લરમાં હોલ કરીને એક્સપ્લોઝિવ મુકાયા હતા. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે આ ટાવરને તોડવા માટે હાથ ધરાયેલી પ્રક્રિયામાં માત્ર સાત સેકન્ડમાં જ ટાવર ધરાશાયી થયો હતો. ધમાકો થતાંની સાથે જ ૮૫ મીટર ઊંચા ટાવરનું સ્ટ્રક્ચર નીચે બેસી ગયું હતું. વિશાળ ટાવરને તૂટતો જોવા માટે આસપાસના વિસ્તારના નાગરિકો પોતાની ટેરેસ પર આવી ગયા હતા અને આ ઘટનાના સાક્ષી બન્યા હતા. કંઈ કેટલાય લોકોએ આ ઘટનાને તેમના મોબાઇલમાં કેદ કરી લીધી હતી. ટાવર તોડવા માટે છેલ્લા પંદર દિવસથી તૈયારીઓ ચાલતી હતી. આસપાસના વિસ્તારના રહીશોને એની જાણકારી આપીને સચેત કરાયા હતા. ટાવર તોડવાની કામગીરી દરમ્યાન પોલીસ-બંદોબસ્ત રખાયો હતો અને ટાવરવાળા રોડને બ્લૉક કરવામાં આવ્યો હતો.