ગુજરાતમાં આવેલા જગપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું અમિત શાહ અને આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે ઉદ્ઘાટન કર્યું, બીજેપીની સ્થાપનાને લઈને મુંબઈને પણ યાદ કર્યું કેન્દ્રીય ગૃહપ્રધાને
સાળંગપુર મંદિરમાં હનુમાનજીદાદાનાં અમિત શાહે દર્શન કર્યાં હતાં.
ગુજરાતમાં આવેલા જગપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગઈ કાલે ગુજરાતના સૌથી મોટા શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે હનુમાનજીદાદાના સમક્ષ નતમસ્તક થઈને શ્રદ્ધાપૂર્વક અમિત શાહે કહ્યું હતું કે ‘દાદાની કૃપાથી બીજેપી દેશમાં ૧૬ સરકારો અને ૪૦૦થી વધુ સંસદસભ્યો સાથે દેશની સેવા કરે છે.’
સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં ગઈ કાલે સંતો અને ભાવિકોએ ઉત્સાહ અને ઉમંગ સાથે હનુમાન જયંતી પર્વની ઉજવણી કરી હતી. અમિત શાહે પરિવાર સાથે ૫૪ ફુટ ઊંચી હનુમાનજીની વિરાટ મૂર્તિની પૂજા કરી હતી તેમ જ મંદિરમાં હનુમાનજીદાદાનાં દર્શન કરીને આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી. અમિત શાહે કહ્યું હતું કે ‘હજારો લાખો લોકોના જીવનમાં આવેલા દુઃખ, દર્દ, સંકટોના નિવારણ દાદાના શરણમાં આવીને ભક્તિભાવથી બેઠેલા લોકોના થયા છે. એનો અનુભવ મને પણ છે. હું જેટલી વાર અહીં આવ્યો શાંતિ, ઊર્જા, ચેતના અને ઉત્સાહ લઈને પાછો ગયો છું એ મારો વ્યક્તિગત અનુભવ છે. બધાને દાદાના આશીર્વાદ મળે અને સાથે-સાથે પ્રસાદ મળે એ માટે એવું ભવ્ય સુંદર ભોજનાલય બનાવ્યું છે. એના માટે ટ્રસ્ટીઓને અભિનંદન આપું છું. સાળંગપુર ધામને નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટે ટ્રસ્ટીઓએ આચાર્ય મહારાજના નેતૃત્વમાં જે પરિશ્રમ કર્યો છે, જે સંકલ્પ કર્યો છે એનાથી આ કામ સિદ્ધ થયું છે.’
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મુંબઈને યાદ કરતાં કહ્યું હતું કે ‘આજે કૉઇન્સિડન્સ છે કે આજે હનુમાન જયંતી છે અને ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે. આજના દિવસે અટલજી, અડવાણીજીએ બીજેપીની સ્થાપના કરી હતી. ૬ એપ્રિલ, ૧૯૮૦ના દિવસે મુંબઈના ષણ્મુખાનંદ હૉલની અંદર બીજેપીની સ્થાપના થઈ હતી. એ વખતે ઘણા લોકોએ બીજેપીની મજાક ઉડાવી હતી. પરંતુ દાદાની કૃપા જુઓ, આજે સમગ્ર દેશમાં ૧૬ સરકારો અને ૪૦૦થી વધુ સંસદસભ્યો સાથે બીજેપી દેશની સેવા કરે છે.’
શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ, કોઠારી વિવેકસાગરદાસ સ્વામી, વિષ્ણુપ્રકાશદાસ સ્વામીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સાળંગપુરમાં બે દિવસ શ્રી હનુમાન જયંતી ઉત્સવ ઊજવાયો હતો. લોકડાયરો, મારુતિયજ્ઞ, પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.