સવારે અંજનીમાતા સાથે બાળહનુમાનના ફોટોએ સૌનાં દિલ જીતી લીધાં
બાળહનુમાનને અંજનીમાતાના વહાલના આ દૃશ્યએ ભક્તજનોને અલૌકિક અનુભૂતિ કરાવી હતી.
ગુજરાતમાં આવેલા વિશ્વવિખ્યાત યાત્રાધામ સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ગઈ કાલે આધ્યાત્મિકતાના માહોલમાં હર્ષોલ્લાસથી હનુમાન જન્મોત્સવની ઉજવણી થઈ હતી. આ પ્રસંગે સાળંગપુર હનુમાનજી મંદિરમાં કષ્ટભંજનદેવ દાદાનાં દર્શને સાતથી ૧૦ લાખ ભક્તો ઊમટ્યા હોવાનો દાવો મંદિર-પ્રશાસને કર્યો હતો.
ભક્તોના સ્વાગત માટે બલૂન ઉડાડ્યાં હતાં.
ADVERTISEMENT
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શુક્રવારે મોડી રાતથી જ ભક્તો દર્શન કરવા પહોંચી ગયા હતા. સવારે મંદિરમાં હનુમાનદાદાની મૂર્તિ આગળ અંજનીમાતા સાથે બાળહનુમાનના ફોટોએ સૌનાં દિલ જીત્યાં હતાં. અંજનીમાતા બાળહનુમાનને જમાડતા હોવાના એ દૃશ્યે ભક્તોને અલૌકિક અનુભૂતિ કરાવી હતી. સવારે મંગળા આરતીમાં અને સાંજે સંધ્યા આરતીમાં લાખો ભક્તો મંદિર પરિસરમાં ઊમટ્યા હતા અને આરતીમાં સહભાગી થવાનો લહાવો લીધો હતો. મંદિર સત્તાવાળાઓ દ્વારા સવારે ૫૧,૦૦૦ બલૂનડ્રૉપથી ભક્તોનું સ્વાગત થયું હતું. હનુમાનજીના જન્મોત્સવ પ્રસંગે દાદાને સુવર્ણ વાઘા પહેરાવ્યા હતા અને સુવર્ણ વાઘામાં હનુમાનદાદાનાં દર્શન કરીને લાખ્ખો શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. હનુમાનદાદાને છપ્પનભોગ ધરાવ્યો હતો તેમ જ ૨૫૦ કિલોની કેક કાપવામાં આવી હતી.
મંદિર પરિસરમાં યજ્ઞ યોજાયો હતો.
ગઇ કાલે મંદિર પરિસરમાં સવારે સમૂહ યજ્ઞ કરવામાં આવ્યો હતો. સંતો અને ૧૦૦૦થી વધુ ભક્તોએ યજ્ઞમાં બેસીને આહુતિ અર્પીને વાતાવરણમાં દિવ્યતા પ્રસરાવી હતી. દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા પચાસથી વધુ બ્રાહ્મણોએ યજ્ઞ કરાવ્યો હતો.
શિમલા અને પ્રયાગરાજમાં હનુમાનદાદાની ભક્તિ
શિમલા
શિમલામાં જાખૂ હિલ પર આવેલા પ્રાચીન જાખૂ મંદિરમાં હનુમાનદાદાની વિશાળ મૂર્તિના સાંનિધ્યમાં ભક્તો.
પ્રયાગરાજ
પ્રયાગરાજમાં આવેલા બડે હનુમાનજી મંદિરમાં પવનપુત્ર પર અભિષેક કરતા મહંત.

