લોકવાયકા છે કે ભગવાન શ્રીકૃષ્ણે પણ રાતવાસો કરીને હરખભેર આ પરિક્રમા કરી હતી
ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે હજારો પદયાત્રીઓ ઊમટ્યા હતા
ગિરનારની લીલી પરિક્રમાનો ગઈ કાલે પ્રારંભ થયો હતો. ખુદ ભગવાન શ્રીકૃષ્ણએ રાતવાસો કરીને હરખભેર લીલી પરિક્રમા કરી હતી એ દિવ્ય અને પવિત્ર પરિક્રમા કરવા માટે હજારો ભક્તજનો ઊમટ્યા હતા અને જય ગિરનારીના જયઘોષ સાથે પદયાત્રીઓ હોંશભેર પરિક્રમાના માર્ગે આગળ વધ્યા હતા.
પરિક્રમા આમ તો વિધિવત્ રીતે ગઈ કાલે રાતથી શરૂ થવાની હતી, પરંતુ પદયાત્રીઓનો ધસારો વધતાં ગઈ કાલે દિવસ દરમ્યાન જ પરિક્રમા શરૂ થઈ ગઈ હતી. લીલી પરિક્રમા કરવા માટે દર વર્ષે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાંથી અને દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ ઊમટે છે. ૨૮ વખત લીલી પરિક્રમા કરનાર જૂનાગઢના અશ્વિન પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લીલી પરિક્રમા સાથે અનેક લોકવાયકા જોડાયેલી છે. શ્રીકૃષ્ણ ભગવાને આ પરિક્રમા કરી હતી તો રાજા ભરથરીએ પણ આ પરિક્રમા કરી છે. જોકે ૧૫૫ વર્ષ પહેલાં અજા ભગતબાપાએ આ પરિક્રમા શરૂ કરાવી હોવાની લોકવાયકા છે. જૂનાગઢ પાસેના બગડુ ગામના અજા ભગત દરરોજ પૂજન માટે ભવનાથ મહાદેવ આવતા હતા. ત્યાં એક સંતે ગિરનારનું માહાત્મ્ય સમજાવ્યું હતું અને કેટલાક સંતો સાથે સંવત ૧૯૧૬માં કારતક સુદ અગિયારસે પરિક્રમા શરૂ કરી હતી એ દિવસથી ગિરનારની પરિક્રમાની પરંપરા શરૂ થઈ હોવાનું કહેવાય છે.’
ADVERTISEMENT
ગિરનારને પ્લાસ્ટિક-મુક્ત રાખવા માટે યાત્રીઓ પાસેથી પ્લાસ્ટિકની વસ્તુઓ લઈને તેમને ઇકો-ફ્રેન્ડ્લી બૅગ આપવામાં આવી હતી
પરિક્રમાના માર્ગ પર આવતા ઝીણાબાવાની મઢીની જગ્યા, બોરદેવી મંદિર સહિતનાં સ્થળો પૌરાણિક અને સતનાં સ્થાનક છે અને ચમત્કારી જગ્યા છે એ વિશે વાત કરતાં અશ્વિન પટેલે કહ્યું કે ‘બોરદેવીની જગ્યાએ બોરદેવી માતાજીનું મંદિર છે. કહેવાય છે કે અહીં એક વાસણમાં દૂધ ભરી દે એટલે મેળવણ નાખ્યા વગર બીજા દિવસે છાશ બની જાય છે અને લોકોને એ વહેંચવામાં આવે છે. આ જગ્યાએ પદયાત્રીઓ રાતવાસો કરે છે. એ ઉપરાંત ઝીણાબાવાની મઢીની જગ્યા પૌરાણિક સ્થાનક છે. લોકવાયકા છે કે કોઈ મહાપુરુષના કહેવાથી ઝીણાબાવાએ ચલમમાંથી પસાર થઈ બતાવ્યું હતું. પરિક્રમાના રૂટ પર દેવી-દેવતાઓનાં અનેક મંદિર છે.’
પરિક્રમા કરતા પદયાત્રીઓ માટે જંગલમાં ૧૦ હંગામી દવાખાનાં
સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ગરવા ગઢ ગિરનારની ફરતે લીલી પરિક્રમા શરૂ થઈ છે ત્યારે લાખો પદયાત્રીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને જિલ્લા તંત્ર દ્વારા જંગલમાં પરિક્રમાના રૂટ પર ૧૦ હંગામી દવાખાનાં ઊભાં કરવામાં આવ્યાં છે એટલું જ નહીં; સિંહ, દીપડા જેવાં વન્ય પ્રાણીઓનો વિસ્તાર હોવાથી નિશ્ચિત કરેલી ચાર જગ્યા સિવાય ક્યાંય પણ રાત્રિરોકાણ નહીં કરવા પદયાત્રીઓને તાકીદ કરવામાં આવી છે.
૩૬ કિલોમીટરનું લાંબું અંતર ધરાવતી આ પરિક્રમાનો રૂટ કઠિન ચડાણવાળો અને જંગલમાંથી પસાર થતો હોવાથી પદયાત્રીઓના આરોગ્યને ધ્યાનમાં લઈને જીણાબાવાની મઢી, સરકડિયાના ઘોડી વિસ્તાર, માળવેલા વિસ્તાર, શ્રવણની કાવડના નળપાણી વિસ્તાર, બોરદેવી વિસ્તાર સહિતની જગ્યાઓમાં રાવટી નાખીને હંગામી દવાખાનાં શરૂ આવ્યાં છે. ૧૬ મેડિકલ અને પૅરામેડિકલ ટીમો ધાર્મિક જનોની સેવામાં છે. આકસ્મિક સંજોગોમાં દરદીને નજીકની હૉસ્પિટલ પહોંચાડવા માટે ૧૨ ઍમ્બ્યુલન્સ પરિક્રમાના રૂટ પર મૂકવામાં આવી છે.
ગિરનાર લીલી પરિક્રમા દરમ્યાન ફરજ બજાવનાર અધિકારીઓ અને કર્મચારીઓને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન (CPR)ની તાલીમ આપવામાં આવી છે.
પરિક્રમાના રૂટ પર અજવાળું રહે એ માટે ૮ જગ્યાએ ડીઝલ જનરેટર સેટ મૂકીને લાઇટિંગ કરવામાં આવી છે.
ગિરનાર અભ્યારણ્ય વિસ્તાર સિંહ, દીપડા જેવાં વન્ય પ્રાણીઓનો વિસ્તાર હોવાથી ભવનાથ, ઝીણાબાવાની મઢી, માળવેલા, બોરદેવી સિવાય અન્ય કોઈ જગ્યાએ રાત્રિરોકાણ નહીં કરવાની તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.
પ્લાસ્ટિક-મુક્ત ગિરનાર માટે ૧૧ ઍન્ટિ પ્લાસ્ટિક સ્ક્વૉડ
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ ગિરનારમાં લીલી પરિક્રમા દરમ્યાન ગિરનાર પ્લાસ્ટિક-મુક્ત રહે એ માટે વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રએ ૧૧ ઍન્ટિ પ્લાસ્ટિક સ્ક્વૉડ બનાવીને ગઈ કાલે ચેકિંગ હાથ ધર્યું હતું. પરિક્રમા કરતા પદયાત્રીઓનો ધસારો ઇટાવા ગેટ પાસે રહે છે ત્યાં તેમ જ ગિરનાર નવી સીડી, જૂની સીડી, જાંબુડી ગેટ, દાતાર, પાટવડ અને રામનાથ ખાતે વન વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું અને યાત્રીઓ પાસેથી પ્લાસ્ટિકની વસ્તુઓ લઈને તેમને ઇકો-ફ્રેન્ડ્લી બૅગ આપવામાં આવી હતી.