૨૪ મેથી યોજાનારા એક્સ્પોમાં દેશ-વિદેશના ઇન્વેસ્ટર્સ, સ્ટાર્ટઅપ, ઑન્ટ્રપ્રનર, ગૌ ઉદ્યમી, ટેક્નૉક્રેટ, વ્યવસાયકારો ભેગા થશે
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ડૉ. વલ્લભ કથીરિયા સહિતના આગેવાનોએ ગૌ ટેક એક્સ્પોની માહિતી આપી હતી.
અમદાવાદ : ભારતમાં પહેલી વાર રાજકોટમાં ગૌ ટેક ૨૦૨૩ ગ્લોબલ કાઉ બેઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ સમિટ અને એક્સ્પો યોજાશે. ૨૪ મેથી યોજાનારા એક્સ્પોમાં દેશ-વિદેશના ઇન્વેસ્ટર્સ, સ્ટાર્ટઅપ, ઑન્ટ્રપ્રનર, ગૌ ઉદ્યમી, ટેક્નૉક્રેટ, વ્યવસાયકારો, નવા ઉદ્યમીઓ ભેગા થશે.
ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ પર ગૌ ટેક ૨૦૨૩નું ૨૪થી ૨૮ મે સુધી આયોજન કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ડૉ. વલ્લભ કથીરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારતમાં પહેલી વાર આ પ્રકારે પ્યૉરલી ગૌ આધારિત ઉદ્યોગો છે એના માટેનું આવું પ્લૅટફૉર્મ તૈયાર થાય છે.
ADVERTISEMENT
પહેલી વાર આ પ્રકારે ગૌ ટેક ૨૦૨૩નું આયોજન થશે. દેશભરના સ્ટાર્ટઅપ, ઑન્ટ્રપ્રનર સહિતના લોકો સ્ટૉલ્સ રાખશે જેથી બાકીનાઓને પ્રેરણા મળશે. આ ઉપરાંત ગૌ આધારિત વિવિધ ઉદ્યોગો માટેના સેમિનાર યોજાશે, જેમાં ગાયના ગોબરમાંથી પ્લાસ્ટર બને છે એ સહિતના મુદ્દાઓ અને વિષયો પર ઉદ્યોજકો તેમની વાત રજૂ કરશે, સક્સેસ સ્ટોરી રજૂ કરશે, જેથી અન્ય લોકોને પણ થાય કે આ બિઝનેસ મારે પણ કરવો છે, એમાં મારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, એ પ્રકારે આયોજન કરી રહ્યા છીએ. આ એક્સ્પોમાં દેશનાં વિવિધ રાજ્યો ઉપરાંત બ્રાઝિલ, અમેરિકા, ઇંગ્લૅન્ડ, આફ્રિકા અને દુબઈથી પણ લોકો આવશે.’