પ્રસંગો અને પર્વ પૂરતી સીમિત થઈ ગઈ છે ગાંધીટોપી : ઝભ્ભા, ધોતી અને ટોપીનો પહેરવેશ ઓછો થઈ જતાં ગાંધીટોપીનું ચલણ નહીંવત્ થયું
ટોપી બનાવી રહેલા હરીશ ગદાણી. (તસવીરો : જનક પટેલ)
પ્રસંગો અને પર્વ પૂરતી સીમિત થઈ ગઈ છે ગાંધીટોપી : ઝભ્ભા, ધોતી અને ટોપીનો પહેરવેશ ઓછો થઈ જતાં ગાંધીટોપીનું ચલણ નહીંવત્ થયું : ગુજરાતમાં પંચમહાલ, ઉત્તર ગુજરાત અને ડાંગમાં ગાંધીટોપી થોડીઘણી ચલણમાં છેઃ અમદાવાદમાં ગાંધીટોપી બનાવતા હરીશ ગદાણી વર્ણવે છે અત્યારથી પરિસ્થિતિ
ADVERTISEMENT
આજના યંગસ્ટર્સને કદાચ ખબર પણ નહીં હોય કે એક સમયે એવા કેટલાય લોકો હતા જે માથે ગાંધીટોપી પહેર્યા વિના ઘરની બહાર નીકળતા નહીં, પરંતુ આજે સમય એવો આવ્યો છે કે એક સમયની પ્રચલિત ગાંધીટોપી પહેરનારો વર્ગ હવે સાવ નહીંવત્ થઈ ગયો છે. પહેરવેશ બદલાતાં ગાંધીટોપી પણ મૃત અવસ્થામાં પહોંચી ગઈ છે અને એ પ્રસંગો તથા પર્વ પૂરતી સીમિત થઈ ગઈ છે. જોકે ગુજરાતમાં સમ ખાવા પૂરતું પંચમહાલ, ઉત્તર ગુજરાત અને ડાંગમાં ગાંધીટોપી થોડીઘણી ચલણમાં છે અને ત્યાં લોકો પહેરે પણ છે.
ગાંધીટોપીની આજની સ્થિતિ વિશે અમદાવાદમાં ગાંધીટોપી બનાવતા ૬૪ વર્ષના હરીશ ગદાણી ‘મિડ-ડે’ને કહે છે, ‘પહેલાં કરતાં ગાંધીટોપીનું વેચાણ ઓછું થઈ ગયું છે. પહેલાં અમે આખા ગુજરાતમાં ટોપી બનાવીને વેચતા હતા, પણ આજે પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં અમે બનાવેલી ગાંધીટોપી વેચીએ છીએ. ગાંધીટોપી પર કોઈ પણ પ્રકારનો ટૅક્સ લાગતો નથી, ટૅક્સ-ફ્રી છે છતાં ગાંધીટોપી હવે પ્રસંગોપાત્ત અને સારા-નરસા પ્રસંગમાં જ પહેરાય છે. લોકો પહેલાં ધોતી, ઝભ્ભો અને ગાંધીટોપી પહેરતા હતા, પરંતુ આ પહેરવેશ હવે ઓછો થઈ ગયો છે. અત્યારે પંચમહાલમાં લગ્નપ્રસંગોમાં ગાંધીટોપી આપવાનો વ્યવહાર છે. ત્યાં લગ્નપ્રસંગમાં નાનામોટા સૌને ગાંધીટોપી પહેરાવવાનો રિવાજ છે એટલે પંચમહાલના ગોધરા, પીપલોદ, સંતરોડ, દાહોદ, લુણાવાડામાં ગાંધીટોપી અમારે ત્યાંથી જાય છે. ઉત્તર ગુજરાતમાં વીસનગર, વિજાપુર, માણસા, મહેસાણા, કુકરવાડા તરફ ગાંધીટોપીનું ચલણ છે અને ત્યાં અમે ટોપી મોકલીએ છીએ. બાકી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાંધીટોપીનું ચલણ છે જ નહીં અથવા નહીંવત્ છે.’
ગાંધીટોપીની અત્યારે સીઝન આવી હોવાની વાત કરતાં હરીશ ગદાણી કહે છે, ‘જાન્યુઆરીથી લગ્નની સીઝન ચાલુ થતાં અમારે ત્યાં ટોપીની ડિમાન્ડ રહે છે એટલે હાલમાં અમારી સીઝન છે જે મે મહિના સુધી ચાલશે. હાલમાં અમે રોજની ૫૦૦ ટોપી બનાવીએ છીએ. ટોપી કૉટન અને ડૅનિયર કાપડમાંથી બનાવીએ છીએ. ૩૬, ૪૪ અને ૬૦ના પનામાંથી ૬ સાઇઝની ટોપી બનાવીએ છીએ. એક મીટરમાંથી બે ટોપી બને છે. કટિંગ કર્યા પછી પાંચ બહેનો ટોપી સીવે છે. એને આર કરીને ધોઈને અને ઈસ્ત્રી કરીને વેચાણમાં મૂકીએ છીએ.’

