ગુજરાતના પ્રવક્તા પ્રધાન હૃષીકેશ પટેલે ગઈ કાલે આ જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘નવી એજ્યુકેશન પૉલિસી માટે ખૂબ સારી રીતે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે અને અગામી સમયમાં મેડિકલ અને ટેક્નિકલ કોર્સ માટે ગુજરાતી અભ્યાસક્રમોની પણ તૈયારીઓ કરી છે
પ્રતિકાત્મક તસવીર સૌજન્ય આઇ-સ્ટૉક
અમદાવાદ : ગુજરાતમાં આવતા વર્ષથી મેડિકલ અને ટેક્નિકલ કૉલેજોમાં પ્રથમ વર્ષમાં માતૃભાષામાં અભ્યાસ કરાવવામાં આવશે અને એના માટે ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં અભ્યાસ કરી શકે એ માટે માતૃભાષામાં અભ્યાસ-સામગ્રી ડિઝાઇન કરવા માટે સમિતિની રચના કરવામાં આવી છે.
ગુજરાતના પ્રવક્તા પ્રધાન હૃષીકેશ પટેલે ગઈ કાલે આ જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘નવી એજ્યુકેશન પૉલિસી માટે ખૂબ સારી રીતે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે અને અગામી સમયમાં મેડિકલ અને ટેક્નિકલ કોર્સ માટે ગુજરાતી અભ્યાસક્રમોની પણ તૈયારીઓ કરી છે. મને આશા છે કે આવતા વર્ષથી જ પહેલા વર્ષના અભ્યાસક્રમ માટે ગુજરાતી માધ્યમમાં ભણાવી શકીએ એ પ્રકારની તૈયારીઓ સરકારે કરી છે.’
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદ મેટ્રો રેલના સમયમાં સવારે અને સાંજે બે કલાકનો કરાશે વધારો
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘ગુજરાતના વિવિધ ટેક્નિકલ, મેડિકલ અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે માતૃભાષામાં અભ્યાસ-સામગ્રી ડિઝાઇન કરવા માટે સમિતિની રચના કરવામાં આવી છે અને એના ભાગરૂપે વિવિધ યુનિવર્સિટીઓને જે-તે વિષયના ભાષાંતરની કામગીરી સોંપવામાં આવી છે. એજ્યુકેશન પૉલિસીમાં દર્શાવેલાં ધ્યેયો અનુસાર કાર્ય કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરવામાં આવી છે.’