ભુજના સ્ટેશન રોડ, હૉસ્પિટલ રોડ, વાણિયાવાડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં, કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, સુરત, બનાસકાંઠા સહિતના જિલ્લાઓના બાવીસ તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ, હજી પણ વરસાદ પડવાની આગાહી
અમદાવાદમાં એસ. પી. રિંગ રોડ પર ધોધમાર વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ જાણે કે ચોમાસું બેસી ગયું હોય એમ છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ગઈ કાલે કચ્છ–સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક કરા સાથે તો ક્યાંક ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. એટલું જ નહીં, પરંતુ કચ્છના ભુજમાં તો બે કલાકમાં જ ૪૭ મિ.મી. એટલે કે બે ઇંચ જેટલો કમોસમી વરસાદ તૂટી પડતાં ભુજમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ભુજમાં ગઈ કાલે બપોરે ચાર વાગ્યાથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભુજવાસીઓ કંઈ સમજે એ પહેલાં જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સાંજે ચારથી છ વાગ્યા દરમ્યાન બે કલાકમાં ભુજમાં ૪૭ મિ.મી. એટલે કે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અચાનક પડેલા વરસાદથી ભુજવાસીઓ ભારે તકલીફમાં મુકાઈ ગયા હતા. ધોધમાર વરસાદ પડતાં બસ સ્ટેશન રોડ, હૉસ્પિટલ રોડ, જ્યુબિલી સર્કલ, વાણિયાવાડ બજાર વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને પરેશાની વેઠવી પડી હતી. ભુજ ઉપરાંત રાપર તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT
ગુજરાતમાં સાંજે ચાર વાગ્યાથી વાતાવરણ પલટાયું હતું અને બાવીસ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. મહેસાણાના બેચરાજી તાલુકામાં પોણા ઇંચ જેટલો જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, બનાસકાંઠાના સુઇ ગામ, ડાંગ જિલ્લાના સુબિર, ભરૂચ જિલ્લાના નેત્રંગ અને વાગરા તેમ જ સુરત જિલ્લાના માંગરોળમાં અડધા ઇંચથી વધુ કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને દાંતા, સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા, વઢવાણ અને લખતર, ડાંગ ત્રજલ્લાના આહવા અને વઘઈ, સુરત જિલ્લાના ઉમરપાડા, ભરૂચ જિલ્લાના જઘડિયા, નવસારી જિલ્લાના વાસંદા, દાહોદ જિલ્લાના દાહોદ, મહેસાણા જિલ્લાના જોટાણા અને ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં ઓછો-વત્તો વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેર અને જિલ્લામાં સાંજે ભારે પવન ફૂંકાવા સાથે વીજળીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ પડ્યો હતો. અમદાવાદ જિલ્લાના સાણંદમાં કરા પડ્યા હતા. અંબાજીમાં સવારે વરસાદ પડતાં ચાચર ચોકમાં પાણી ભરાઈ ગયાં હતાં. દાંતા તાલુકાના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ડેડિયા પાડા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. ઘઉં, ચણા, રાયડો ઉપરાંત કેરી, તરબૂચ સહિતનાં ફળોના પાકને પણ નુકસાન થયું છે. આટલું ઓછું હોય એમ ગુજરાતમાં હજી પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.