તૈયાર થઈ જાઓ શ્રીકૃષ્ણ ભગવાન અને રુક્મિણીજીના લગ્નોત્સવમાં મહાલવા
માધવરાયજીની નવી હવેલીમાં માધવરાયજી અને ત્રિકમરાયજીની મૂર્તિનાં દર્શન.
જ્યાં સ્વયં પ્રભુ શ્રીકૃષ્ણએ પગલાં પાડીને લગ્ન કર્યાં હતાં એ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ માધવપુરમાં આજથી પાંચ દિવસ યોજાશે માધવપુરનો મેળો : આજે મંડપઆરોપણ થશે, પછી ત્રણ દિવસ ભગવાન શ્રીકૃષ્ણનું ફુલેકું એટલે કે વરઘોડો નીકળશે અને ૯ એપ્રિલે ઊજવાશે વિવાહ ઉત્સવ : પ્રભુના લગ્નોત્સવની તડામાર તૈયારીઓ પૂરી ; ગુજરાત ઉપરાંત ઉત્તરપૂર્વનાં ૮ રાજ્યો પણ લેશે ભાગ
‘માધવપુરનો માંડવો ને આવી જાદવકુળની જાન...’ આવાં મંગળ લગ્નગીતો આજકાલ માધવપુરમાં ગુંજી રહ્યાં છે. આ લગ્નગીતો એટલા માટે ગવાઈ રહ્યાં છે કેમ કે સૌરાષ્ટ્રની જે ભૂમિ પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનાં પાવન પગલાંથી પવિત્ર થઈ છે એ માધવપુરમાં આજથી પાંચ દિવસ સુધી ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીનો લગ્નોત્સવ યોજાશે. આધ્યાત્મિકતાની અલખ જગાવતી આ ભૂમિ પર પ્રભુના વિવાહને લઈને અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે અને દેશ-દેશાવરથી પ્રભુનાં લગ્નમાં મહાલવા માટે અનેક કૃષ્ણભક્તો આવી ગયા છે અને અનેક આવી રહ્યા છે.
ADVERTISEMENT
માધવપુરના દરિયાકાંઠે આવેલું માધવરાયજીનું પૌરાણિક મંદિર.
આજથી સદીઓ પહેલાં માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ સંપન્ન થયા હતા. તેમની યાદમાં દર વર્ષે ચૈત્ર સુદ નોમ ને રામનવમીથી ચૈત્ર સુદ બારસ સુધી મેળો યોજાય છે અને ભક્તો ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીનાં લગ્નની ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ ઉત્સવમાં આજે મંડપઆરોપણ થશે. ત્યાર બાદ આજે તેમ જ ૭ અને ૮ એપ્રિલ એમ ત્રણ દિવસ સુધી માધવરાયજી મંદિરથી બ્રહ્મકુંડ સુધી દરરોજ ફુલેકું નીકળશે, એટલે કે ભગવાનનો વરઘોડો નીકળશે. ૯ એપ્રિલે લગ્નની વિધિ યોજાશે અને ૧૦ એપ્રિલે રુક્મિણીજી મંદિરથી કન્યાને લઈને જાન નીકળશે અને માધવરાયજી મંદિરે આવશે. એ દિવસે દ્વારકામાં રુક્મિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણ પધારશે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવશે.
માધવરાયજી મંદિર પાસે ભગવાન શ્રીકૃષ્ણનો રથ.
આજે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ માધવપુર મેળાના કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. મેળામાં દરરોજ કલાકારો દ્વારા ડાયરા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ મેળામાં ગુજરાત ઉપરાંત ઉત્તરપૂર્વનાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલૅન્ડના કલાકારો પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે.
લગ્નોત્સવ દરમ્યાન માધવપુર બીચ ખાતે વૉલીબૉલ, બીચ ફુટબૉલ, ૧૦૦ મીટર બીચ રન, કોકોનટ થ્રો, બીચ હૅન્ડબૉલ જેવી રમતો યોજાશે. મેળામાં ગુજરાતની સાથોસાથ પૂર્વોત્તરનાં રાજ્યોની હસ્તકળા અને વાનગીઓના સ્ટૉલ્સ પણ હશે.
પૌરાણિક ઇતિહાસ
માધવપુરમાં પૌરાણિક ઇતિહાસ ધરબાયેલો છે. અહીં લગ્નોત્સવમાં આવનારા ધાર્મિકજનોને લગ્નોત્સવની સાથોસાથ ઇતિહાસને જાણવાનો અને માણવાનો લહાવો પણ મળશે. માધવરાયજીનું ૧૩મી સદીનું જૂનું મંદિર દરિયાકિનારે છે જે શિલ્પ, કલાકારીગરી સાથેના સ્થાપત્યથી શોભે છે. આ મંદિરમાં માધવરાયજી અને ત્રિકમરાયજીની મૂર્તિઓ હતી. પોરબંદરનાં રાજમાતા રૂપાળીબાએ સંવત ૧૮૯૬માં જૂના મંદિરની પૂર્વ બાજુમાં માધવરાયજીની નવી હવેલી બંધાવી હતી ત્યાં માધવરાયજી અને ત્રિકમરાયજીની મૂર્તિ બિરાજે છે. આ મૂર્તિઓ દુર્લભ અને દિવ્ય છે જેમાં ભગવાનના ત્રણ હાથ ઉપર અને એક હાથ નીચે છે. આવી મૂર્તિ ભારતમાં બીજે ક્યાંય નથી.

