૩૧ મેએ માછીમારીની ટાઇમ લિમિટ પૂરી થઈ જતાં ગુજરાતના માછીમારો દરિયામાં નથી
Cyclone Biporjoy
ગુજરાત પર વાવાઝોડાના ખતરાના પગલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે બેઠક યોજી હતી.
દરિયામાંથી વાવાઝોડું આવતું હોય ત્યારે સૌથી પહેલાં દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોની ચિંતા તેમના પરિવારના સભ્યોને અને વહીવટી તંત્રને થતી હોય છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે બિપરજૉય વાવાઝોડાની અસર વર્તાવાની સંભાવના છે એવા સંજોગો વચ્ચે ૩૧ મેએ દરિયામાં માછીમારીની ટાઇમ લિમિટ પૂરી થઈ જતાં ગુજરાતના માછીમારો સમયસર દરિયામાંથી ઘરે પરત આવી ગયા છે એટલે તેઓની સાથે-સાથે વહીવટી તંત્રને પણ હાશકારો થયો છે.
ઇન્ડિયન સેલિંગ વેસલ્સ અસોસિએશનના સેક્રેટરી આદમ ભાયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકાંઠે માછીમારોની અંદાજે ૪૦,૦૦૦ જેટલી બોટો છે, જેમાં જખૌ અને નલિયામાં વધુ બોટો છે. વાવાઝોડું આવી રહ્યું છે, પરંતુ ૩૧ મેએ ફિશિંગની ટાઇમ લિમિટ પૂરી થઈ ગઈ છે એટલે માછીમારી કરવા ગયેલા માછીમારભાઈઓ તેમનાં ગામમાં જતા રહ્યા છે, દરિયામાં નથી.’
ADVERTISEMENT
અનુભવના આધારે તેમણે કહ્યું હતું કે ‘અમે દરિયાના માણસો, વાદળ જોઈએ, પાણીનો કલર જોઈએ, હવાની દિશા જોઈને અનુભવના આધારે કહીએ. મારું અનુમાન છે કે આ વાવાઝોડું ઓખા, નલિયા, જખૌ સહિતના વિસ્તારોને અસર કરશે. કરાચીમાં લૅન્ડફૉલ થાય, પણ કાલે ફાઇનલ થઈ જશે કે વાવાઝોડાની ડિગ્રી ચેન્જ થઈ તો એ કરાચીને નુકસાન કરશે.’
માંડવીના માછીમાર સંગઠનના યાકુબ તૈયબ ભૂસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માછીમારોની સીઝન ઑફ થઈ ગઈ હોવાથી અમે બધા ઘરે જ છીએ. અમે સલાયામાં બોટો લાંગરી દીધી છે. સલાયાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને અમે તકેદારી રાખી રહ્યા છીએ.’