બાપુનગર વિસ્તાર ધણધણી ઊઠ્યો, પાંચ કિલોમીટર દૂરથી વિકરાળ આગની જ્વાળા અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા , ભયનો માહોલ સર્જાયો હતો
આગ બુઝાવવા માટે પાણીનો મારો ચલાવી રહેલા ફાયર-કર્મચારીઓ અને લવાયેલું રોબો વેહિકલ. તસવીર જનક પટેલ
ગુજરાતમાં ગઈ કાલે બપોરે ગરમીનો પારો એની ચરમસીમાએ હતો એ વખતે જ અમદાવાદમાં ફટાકડાનાં ગોડાઉનમાં વિકરાઈ આગ લાગી હતી. બે ગોડાઉનમાં રહેલો ફટાકડાનો જથ્થો સળગી ઊઠતાં બાજુમાં આવેલાં ફટાકડાનાં બીજાં બે ગોડાઉનને પણ લપેટમાં લેતાં ફટાકડાઓ ફૂટતાં આખો વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો. આ વિકરાળ આગને કાબૂમાં લેવા માટે અમદાવાદના ફાયર બ્રિગેડે બે રોબો મશીનનો ઉપયોગ કર્યો હતો. ત્રણ કલાકથી વધુ સમયની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી હતી.
અમદાવાદના બાપુનગરમાં આવેલા વિકાસ એસ્ટેટમાં ફટાકડાનાં ગોડાઉનમાં આગ લાગી હતી. ગોડાઉનમાં ફટાકડા હોવાથી એ ફૂટતાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બે ગોડાઉનમાં લાગેલી આગ બાજુનાં ફટાકડાનાં બીજાં બે ગોડાઉનમાં પણ પ્રસરતાં પાંચ કિલોમીટર દૂરથી વિકરાળ આગની જ્વાળા અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. એસ્ટેટમાં આગ લાગતાં ભયનો માહોલ સર્જાયો હતો. અમદાવાદ ફાયર બ્રિગેડના ઑફિસર જે. એન. ખડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સાથે બે રોબો વાહન લઈ ગયાં હતાં, કેમ કે ફટાકડાનાં ગોડાઉનમાં આગ લાગી હોવાથી ફટાકડા ફૂટતા હોવાના કારણે કોઈ વ્યક્તિ અંદર જાય તો દાઝી જવાની સંભાવના રહેલી છે એટલે આ રોબો વેહિકલ લઈ ગયાં હતાં. રોબોને કમાન્ડ આપીએ એ પ્રમાણે અંદર જઈને પાણીનો મારો ચલાવે અને આગ કાબૂમાં લઈ શકે. ’