પ્રજાસત્તાક દિને ગુજરાત રજૂ કરશે આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના સંગમની થીમ પર ટૅબ્લો
સાંસ્કૃતિક સ્પર્ધામાં મણિયારો રાસ-નૃત્ય રજૂ કરતા ગુજરાતના કલાકારો.
દિલ્હીમાં ટૅબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમની સ્પર્ધામાં ગુજરાત ઝળક્યું : પ્રજાસત્તાક દિને ગુજરાત રજૂ કરશે આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના સંગમની થીમ પર ટૅબ્લો
દેશના પાટનગર દિલ્હીમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમની સ્પર્ધામાં ગુજરાતના કલાકારો ઝળક્યા હતા અને ગુજરાતનું વિખ્યાત મણિયારો રાસ-નૃત્યને ત્રીજું સ્થાન મળ્યું હતું. બીજી તરફ ૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં ગુજરાત સરકાર આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના સંગમની થીમ પર ટૅબ્લો રજૂ કરશે.
ADVERTISEMENT
દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીએ દેશનાં વિવિધ રાજ્યો દ્વારા થીમ આધારિત તેમના ટૅબ્લો રજૂ કરાશે. આ ટૅબ્લોમાં રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા ૨૧ જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાઈ હતી, જેમાં ગુજરાત ટૅબ્લો સાથે આવેલા કલાકારો દ્વારા ગુજરાતમાં પ્રચલિત મણિયારો રાસ-નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક પર્ફોર્મન્સ ત્રીજા ક્રમે વિજેતા બન્યો હતો. પ્રથમ ક્રમે ગોવા અને બીજા ક્રમે ઉત્તરાખંડ વિજેતા બન્યા હતા, જ્યારે પશ્ચિમ બંગાળને પ્રોત્સાહક ઇનામ મળ્યું હતું.
૭૬મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ‘સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ’ શીર્ષક અંતર્ગત ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમની થીમ આધારિત ટૅબ્લો રજૂ કરાશે. આ ટૅબ્લોમાં ૧૨મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના કીર્તિ તોરણથી લઈને ૨૧મી સદીના સ્ટૅચ્યુ ઑફ યુનિટીના રાજ્યના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ, ટેક્નૉલૉજી, ઑટોમોબાઇલ અને મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે ગુજરાતની આત્મનિર્ભરતાના વિવિધ વિકાસના પ્રકલ્પોનું અસરકારક નિર્દેશન કરવામાં આવ્યું છે. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મા જન્મવર્ષની ઉજવણી પ્રસંગે ગુજરાતના જનજાતીય ગૌરવને દર્શાવતી પિઠોરા ચિત્રોની શ્રૃંખલા, ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતીના પ્રતીક સ્વરૂપે સાબરમતી રિવરફ્રન્ટના બે છેડાને જોડતો અટલબ્રિજ, દ્વારિકા અને શિવરાજપુર બીચ ખાતે શરૂ થનારા અન્ડર વૉટર સ્પોર્ટ્સની પ્રવૃત્તિની સાથે કચ્છી માટી આભલાની કલાકૃતિઓ આ ઝાંખીને ચાર ચાંદ લગાવશે. ગુજરાતની ઝાંખીમાં પ્રારંભે સોલંકીકાળનું વડનગર સ્થિત ૧૨મી સદીનું સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમું કીર્તિ તોરણ છે તો છેડે ૨૧મી સદીની શાનસમી ૧૮૨ મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટીને દર્શાવવામાં આવી છે. આ બન્ને વિરાસતોની વચ્ચે ગુજરાતમાં અલગ-અલગ ક્ષેત્રોમાં થયેલા વિકાસની પ્રતિકૃતિઓ છે.