Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Ahmedabad Rath yatra 2023: રથયાત્રા દરમ્યાન જ થયું સંકટ, બાલ્કની તૂટી પડતાં દર્શનાર્થીઓ પટકાયા

Ahmedabad Rath yatra 2023: રથયાત્રા દરમ્યાન જ થયું સંકટ, બાલ્કની તૂટી પડતાં દર્શનાર્થીઓ પટકાયા

Published : 20 June, 2023 06:39 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આજે ગુજરાતના અમદાવાદની એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં ભગવાન જગન્નાથની રથયાત્રા જોઈ રહેલા કેટલાક લોકો ત્રણ માળની બિલ્ડિંગની બાલ્કનીમાંથી નીચે પડી ગયા હતા. મળતી માહિતી મુજબ બાલ્કની તૂટવાને કારણે આ અકસ્માત થયો હતો.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


આજે ગુજરાતના અમદાવાદની એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં ભગવાન જગન્નાથની રથયાત્રા જોઈ રહેલા કેટલાક લોકો ત્રણ માળની બિલ્ડિંગની બાલ્કનીમાંથી નીચે પડી ગયા હતા. મળતી માહિતી મુજબ બાલ્કની તૂટવાને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ રથયાત્રામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે દુર્ઘટના બાદ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.


અકસ્માત થયો તે સમયે બાળકો અને મહિલાઓ પણ બાલ્કનીમાં ઉભા હતા. અચાનક બાલ્કની તૂટી ગઈ હોવાને કારણે તેઓ બધા કાટમાળ સાથે નીચે પડી ગયા હતા. મળતી માહિતી મુજબ તે જ સમયે બિલ્ડિંગનો કાટમાળ નીચે ઉભેલા લોકો પર પડ્યો હતો. જેના કારણે લોકોને ગંભીર ઈજાઓ થઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે.



આ દુર્ઘટના અમદાવાદના દરિયાપુર કાડિયા નાકા પાસે બની છે. શહેરમાં છેલ્લા એક મહિનાથી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી હતી અને યાત્રાના રૂટ પરના જર્જરિત મકાનો અંગે અનેક સવાલો થયા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.


પ્રાપ્ત માહિતી અનુસાર રથયાત્રા નીકળી રહી હતી. સાથે જ ટ્રકમાં બેઠેલા લોકો દર્શન કરવા આવેલા લોકોને પ્રસાદ વહેંચી રહ્યા હતા. તે જ સમયે બિલ્ડિંગની બાલ્કનીમાંથી પ્રસાદ લેવા માટે કેટલાક લોકો આગળ વધ્યા હતા ત્યારે બાલ્કની તૂટી પડી હતી. જેમાં ઊભા રહેલ લોકો નીચે પડ્યા હતા.

મંગળવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી હતી. વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીનો ઉપયોગ કરીને રથનો માર્ગ સાફ કરવાની પ્રતીકાત્મક વિધિ ‘પહિંદ વિધિ’ કરી હતી. ત્યારબાદ ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને તેમની બહેન સુભદ્રાએ જમાલપુર વિસ્તારમાં આવેલા 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરથી તેમના રથ પર યાત્રા શરૂ કરી હતી. જેમાં લગભગ 26,000 સુરક્ષા કર્મચારીઓ નજર રાખી હતી. હજારો ભક્તો ભગવાનના દર્શનની આશામાં ભવ્ય શોભાયાત્રાના 18 કિલોમીટરના રૂટની મુસાફરી કરતાં હોય છે.


અધિકારીઓના જણાવ્યા અનુસાર 2,322 બોડી કેમેરા પહેરેલા સુરક્ષા કર્મચારીઓ અને સીસીટીવી અને જીપીએસ સિસ્ટમથી સજ્જ 25 વાહનોનો ઉપયોગ 18-કિલોમીટરના રૂટ પર સમગ્ર રથયાત્રાની દેખરેખ રાખવા માટે કરવામાં આવ્યો હતો. તેઓએ વિશેષમાં જણાવ્યું હતું કે અમદાવાદની રથયાત્રામાં અધિકારીઓ અને પોલીસકર્મીઓ તેમજ અર્ધલશ્કરી દળો સહિત 26,091 સુરક્ષા જવાનો તૈનાત જોવા મળ્યા હતા.

ચુસ્ત સુરક્ષા વચ્ચે કાઢવામાં આવેલી આ શોભાયાત્રામાં હાથીઓ તેમજ ભક્તિ વિષયો પરની ઝાંખીઓ સાથે ઊંટ અને ટ્રકો દ્વારા ખેંચવામાં આવેલી ગાડીઓનો સમાવેશ થયો હતો. ઉપરાંત ભક્તોને સખત ગરમીમાં રાહત આપવા લોકોએ પાણીનો છંટકાવ પણ કર્યો હતો. ઉપરાંત તેમની બાલ્કનીઓ અને છત પરથી શોભાયાત્રા પર ફૂલોની પાંખડીઓની પણ વર્ષા કરવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

20 June, 2023 06:39 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK