Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ડબલ ટ્રબલઃ ગુજરાતમાં મહા મહિનામાં પડ્યો માવઠાનો માર

ડબલ ટ્રબલઃ ગુજરાતમાં મહા મહિનામાં પડ્યો માવઠાનો માર

Published : 29 January, 2023 09:55 AM | IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર-ઠેર પડ્યો કમોસમી વરસાદ, અષાઢી માહોલથી રવી પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનાં વાદળ ઘેરાયાં, એક તરફ કડકડતી ઠંડી અને બીજી તરફ કમોસમી વરસાદ પડતાં નાગરિકોને બેવડી ઋતુની બેવડી તકલીફ કરવી પડી સહન

અમદાવાદમાં ગઈ કાલે કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા હતા.

અમદાવાદમાં ગઈ કાલે કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા હતા.


અમદાવાદ : ભરશિયાળે ગુજરાતમાં ચોમાસું બેઠું હોય એમ ગઈ કાલે ગુજરાતમાં મહા મહિનામાં માવઠાનો માર સહન કરવો પડ્યો હતો. અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં ક્યાંક ધીમી ધારે, તો ક્યાંક ગાજવીજ સાથે અને ક્યાંક કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. મહા મહિનામાં અષાઢી માહોલથી રવી પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનાં વાદળ ઘેરાયાં છે. એક તરફ કડકડતી ઠંડી અને બીજી તરફ કમોસમી વરસાદ પડતાં નાગરિકોને બેવડી ઋતુની બેવડી તકલીફ સહન કરવી પડતાં સામાન્ય જનજીવનને અસર પહોંચી હતી.


ગઈ કાલે સવારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાનું શરૂ થયું હતું. પૂર્વ વિસ્તારમાં નારોલ, લાંભા, અસલાલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. એમાં પણ સરદાર પટેલ રિંગ રોડ પર હાથીજણ સર્કલ પાસે અને જશોદાનગર વિસ્તારમાં કરા પડ્યા હતા. વરસાદ પડવાને કારણે કેટલીક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં.



બીજી તરફ પેટલાદ, તારાપુરમાં ગાજવીજ સાથે અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. અમરેલીના બગસરામાં અને મહીસાગર જિલ્લાના વીરપુરમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. અરવલ્લી જિલ્લામાં મોડાસા પંથકમાં, દાહોદ જિલ્લાના સંજેલી, ફતેપુરા, ઝાલોદમાં, અમદાવાદ જિલ્લાના ધોળકામાં, જૂનાગઢના માંગરોળમાં, સુરત જિલ્લાના હજીરા, કોસંબા, ઓલપાડમાં, મધ્ય ગુજરાતમાં નડિયાદ, વડોદરા, ઠાસરા, વસો, પીજ, ડાકોર, ચકલાસી, સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, ગઢડા, ઢસા, મહીસાગર જિલ્લાના સંતરામપુર, ખાનપુર, પંચમહાલ જિલ્લામાં શહેરા, મોરવાહડફમાં કમોસમી વરસાદ પડ્યો હતો.


માવઠાને કારણે ઘઉં, ડાંગર, જુવાર, ચણા, કપાસ, રાયડા સ‌હિતના ઊભા પાકને નુકસાનીની ભીતિ વ્યક્ત થઈ હતી. આ ઉપરાંત પશુઓનો ઘાસચારો પલળી જતાં ખેડૂતો માટે મુશ્કેલી
ઊભી થઈ છે અને કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી


ગુજરાતમાં ગઈ કાલે માવઠું થતાં લોકો હેરાન થઈ ગયા હતા ત્યારે આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. ગઈ કાલે અમદાવાદમાં મિનિમમ તાપમાન ૧૬ ડિગ્રી હતું, પરંતુ વરસાદને કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગઈ કાલે નલિયામાં મિનિમમ ૭ ડિગ્રી તાપમાન હતું. ભુજમાં ૧૦.૬, પાટણમાં ૧૧.૩, ડીસામાં ૧૧.૮ અને રાજકોટમાં ૧૨.૫ ડિગ્રી તાપમાન હતું.

Whatsapp-channel Whatsapp-channel

29 January, 2023 09:55 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK