અન્નનળીની જન્મજાત ખામીને કારણે અઢી વર્ષ સુધી મોં દ્વારા ખોરાક ન લઈ શકનારા નાનકડા સ્મિત ગોહિલ અને મિતાંશ પરમાર પર સર્જરી કરીને તેમને ખાતા કર્યા ડૉક્ટરોએ
સફળતાપૂર્વક ઑપરેશન કરનારા ડૉક્ટરોની ટીમ બે બાળકો અને તેમની મમ્મી સાથે.
અમદાવાદઃ જન્મથી જ અન્નનળીની ખામીને કારણે અઢી વર્ષ સુધી મોં દ્વારા ખોરાક ન લઈ શકનારા નાનકડા સ્મિત ગોહિલ અને મિતાંશ પરમાર પર અમદાવાદ સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોની ટીમે સર્જરી કરીને તેમને ખાતા કર્યા છે. પોતાનાં બાળકો પર થયેલું ઑપરેશન સફળ થતાં આ બાળકોની ફૅમિલીમાં દિવાળી જેવી ખુશી છવાઈ ગઈ છે.
અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અને બાળ-સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશીએ કહ્યું હતું કે ‘ભરૂચમાં રહેતો અઢી વર્ષનો સ્મિત ગોહિલ અને અમદાવાદનો ૨ વર્ષ અને ૪ મહિનાના મિતાંશ પરમારને મોં દ્વારા ખોરાક લેવાની તકલીફ હોવાથી તેમના પર ગૅસ્ટ્રિક પુલ-અપ નામની સર્જરી કરવામાં આવી હતી. જઠરનો ઉપયોગ કરીને છાતીનાં હાડકાંની પાછળથી અન્નનળીના ઉપરના ખુલ્લા ભાગ સુધી ખેંચીને નવી ફૂડ-પાઇપ બનાવવામાં આવી હતી. જઠરના ભાગને છાતી સુધી ખેંચવા છતાં પણ તે સ્વસ્થ રહે એ સુનિશ્ચિત કરવું એ આ ઑપરેશન માટે સૌથી પડકારજનક હતું. જોકે ઑપરેશન અને ત્યાર બાદ પોસ્ટ ઑપરેટિવ સમય બન્ને બાળકોમાં કોઈ તકલીફ વિના પૂરો થયો. ઑપરેશન પછી શરૂઆતના સમયમાં બાળકોને પોષણ પૂરું પાડવા માટે નાના આંતરડામાં કામચલાઉ ફીડિંગ-ટ્યુબ મૂકવામાં આવી હતી. નવી બનાવેલી અન્નનળી સારી રીતે જોડાઈ ગઈ છે અને એમાં રૂઝ બરાબર આવી છે એની ખાતરી કર્યા બાદ બન્ને બાળકોને મોં દ્વારા ખોરાક આપવામાં આવ્યો હતો અને હવે તેઓ સારી રીતે ખોરાક લઈ શકે છે. મારી સાથે ડૉ. જયશ્રી રામજી, ડૉ. ભાવના રાવલ અને ડૉ. નમ્રતા અને ટીમ દ્વારા એક જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.’
ADVERTISEMENT
અંદાજિત દર ૩૨૦૦માંથી લગભગ એક બાળક જન્મજાત મોઢેથી ખોરાક ન લઈ શકે એવી ખામી સાથે જન્મે છે જેને ઇસોફેજલ ઍટ્રેસિયા કહેવાય છે. સામાન્ય રીતે આવાં બાળકોમાં ફૂડ પાઇપ અને વિન્ડ પાઇપ પણ એકબીજા સાથે અસામાન્ય રીતે જોડાયેલી હોય છે. જોકે માત્ર અન્નનળીના ઍટ્રેસિયા તરીકે ઓળખાતી દુર્લભ ખામી જેનો વ્યાપ ૮ ટકા છે એમાં કુદરતી રીતે કોઈ અન્નનળી કે ફૂડ પાઇપ હોતી નથી, પરંતુ એની જગ્યાએ ગળાથી થોડે નીચે સુધી એક બંધ છેડો તથા જઠરથી થોડે ઉપર સુધી બીજો છેડો બંધ હોય છે જેથી મોં દ્વારા લાળ પણ ગળી શકાતી નથી. સ્મિત અને મિતાંશને આ મુશ્કેલી હોવાથી જન્મ બાદ તેઓ પોતાના મોંથી અન્ન લઈ શક્તા નહોતા.