વેકેશન માણવા આવતા સહેલાણીઓ માટે ડાંગ પોલીસના ક્યુઆર કોડથી સજ્જ પોલીસ-મિત્રની ટીમો પ્રવાસીઓની સલામતીની સાથે તેમને પ્રવાસન સ્થળોની માહિતી આપીને જાણકારી
ડાંગ આવતા સહેલાણીઓની મદદે પોલીસ-મિત્રની ટીમ
દિવાળીના પર્વમાં દક્ષિણ ગુજરાતમાં આવેલા નૈસર્ગિક પર્વતીય વિસ્તાર એવા ડાંગના હિલ સ્ટેશન સાપુતારા સહિતનાં પ્રવાસન સ્થળોએ સહેલાણી ઊમટી રહ્યા છે ત્યારે વેકેશન માણવા આવતા સહેલાણીઓ માટે ડાંગ પોલીસના ક્યુઆર કોડથી સજ્જ પોલીસ-મિત્રની ટીમો પ્રવાસીઓની સલામતીની સાથે તેમને પ્રવાસન સ્થળોની માહિતી આપીને જાણકારી આપતાં સહેલાણીઓ રાહત અનુભવી રહ્યા છે.
ADVERTISEMENT
વેકેશન માણવા માટે ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓને જુદાં-જુદાં પ્રવાસન સ્થળોની માહિતી આપવા સાથે તેમને માર્ગદર્શન આપવાની ભૂમિકા પણ ડાંગ પોલીસના પોલીસ-મિત્રોની ટીમો નિભાવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયાના માર્ગદર્શનમાં અને નાયબ પોલીસ અધિક્ષક સુનીલ પાટીલની રાહબરી હેઠળ પોલીસ-મિત્રની ટીમોએ દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજની રજાઓમાં ડાંગમાં ફરવા આવેલા સહેલાણીઓની સલામતી સાથે તેમને મદદરૂપ થવાની ફરજ બજાવી હતી. પોલીસ-મિત્રોની ટીમે સહેલાણીઓને પ્રવાસન સ્થળોની જાણકારી આપવા સહિત જોવાલાયક સ્થળોએ પહોંચવાના રસ્તાઓ તેમ જ સાઇબર ક્રાઇમ સહિતની બાબતોથી વાકેફ કરી રહ્યા છે. પોલીસ વિભાગના આઇડેન્ટિટી કાર્ડ સાથે પોલીસ-મિત્રોની ટીમને ડિજિટલ ક્યુઆર કોડથી પણ ડાંગ જિલ્લાનાં પ્રવાસન સ્થળોની માહિતી અને જાણકારી આપી રહ્યાં છે. પોલીસ-મિત્ર ટીમની મદદથી પ્રવાસીઓ રાહત અનુભવી રહ્યા છે અને આ પ્રયોગની સરાહના કરી રહ્યા છે.