Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પરમધામના પ્રાંગણે રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે પર્વાધિરાજનું ભવ્ય આગમન

પરમધામના પ્રાંગણે રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે પર્વાધિરાજનું ભવ્ય આગમન

Published : 02 September, 2024 09:19 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભક્તિભીની સમવસરણ વંદનાવલિના તરંગો સાથે ‘તૈયારી છે?’ પુસ્તિકાનું વિમોચન થયું

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનાં ભક્તિભીનાં વધામણાં

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનાં ભક્તિભીનાં વધામણાં


હે પ્રભુ! મારી સાથે અને મારા સંગાથે રહીને મારી ભૂલોનાં દર્શન કરાવી દેવાની મારા પર કૃપા વરસાવી દે. આવી કલ્યાણકારી વિનંતી સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનાં ભક્તિભીનાં વધામણાં લઈને હજારો ભાવિકો ધન્ય બન્યા હતા.


પરમ ગુરુદેવના સાંનિધ્યની દિવ્યતામાં, અણુ-અણુમાં નીરવ શાંતિ અને લીલીછમ વનરાજીથી સમૃદ્ધ પરમધામની પાવનધરા પર પધારેલા પર્વાધિરાજ પર્વને વધાવવા અનેક ક્ષેત્રોથી પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને તેમ જ લાઇવના માધ્યમે ભારતના ખૂણે-ખૂણેથી અને વિદેશના અમેરિકા, લંડન, ઑસ્ટ્રેલિયા, જર્મની, સિંગાપોર, દુબઈ, અબુ ધાબી, સુદાન, મલેશિયા, આફ્રિકા, નાઇરોબી વગેરે અનેક ક્ષેત્રોના મળીને હજારો ભાવિકો ભક્તિભાવથી જોડાઈ ગયા હતા.



આત્મદોષોનું શુદ્ધીકરણ કરાવતી વિશિષ્ટ ધ્યાન-સાધના સ્વરૂપ વહેલી સવારે ઇનર ક્લીનિંગ કોર્સની સાથે અરિહંત પરમાત્માની મધુર ધૂન અને પરમ ગુરુદેવના બહ્મનાદે પ્રગટતા શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રના નાદ સાથે પર્વાધિરાજ પર્વનું સ્વાગત કર્યા બાદ પર્વનો પ્રથમ બોધ આપતાં પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે જીવનની આ યાત્રામાં વ્યતીત થતી ક્ષણોમાં જો પ્રભુ આપણી સાથે અને સંગાથે છે તો એ દરેક ક્ષણ મારી તરવાની ક્ષણ બની રહી છે, પરંતુ હે પ્રભુ! જગતના આ મેળા અને રમકડામાં ખોવાઈને હું તને ભૂલવાની સૌથી મોટી ભૂલ કરી લઉં છું અને તને ભૂલવાની એક ભૂલ મારી અનેક ભૂલોનું કારણ બને છે. પ્રભુ જો મારી સાથે છે તો આપણે આપણી ભૂલને પારખી શકીએ છીએ, પણ પ્રભુને જે ભૂલે છે તેને પોતાની ભૂલ કદી ઓળખાતી નથી. પરમાત્મા પાસે પોતાની ભૂલોનો રિપોર્ટ-કાર્ડ લેવાનો અવસર એ પર્વાધિરાજ પર્યુષણ હોય. આ પર્વાધિરાજ પર્વમાં પ્રભુને એક વિનંતી કરીએ કે હે પ્રભુ! મને લાખ સમજ કદાચ મળે ન મળે, પણ સમજ આપનારા એવા ઉપકારી ગુરુ અને પરમાત્મા કદી ભુલાય નહીં એટલી કૃપા વરસાવજો. ગુરુ કે પરમાત્મા પ્રત્યે પ્રેમ અને સરળભાવ જેટલો ઓછો એટલી પ્રભુની યાદ ઓછી હોય. પ્રભુની યાદ ઓછી હોય તો જીવનમાં સમજ ઓછી હોય, પણ ગુરુ-પરમાત્મા પ્રત્યેનો શરણભાવ અને પ્રેમ જેટલા વધારે એટલી જ તેમની યાદ વધારે અને એટલી જ અંતરની સમજ વધારે હોય, એટલે જ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એ ગુરુ પરમાત્મા પ્રત્યેના પ્રેમને અને શરણભાવને રીચાર્જ કરીને તરી જવાનો અવસર છે.


પરમ હિતકારી એવી પરમ ગુરુદેવની આ વાણી સાથે જ આ અવસર એ સમગ્ર ચાતુર્માસનાં લાભાર્થી એવાં માતૃશ્રી કંચનબેન રમણીકલાલ શેઠ પરિવાર દ્વારા ભક્તિભાવથી પ્રભુના સમવસરણની સુંદર પ્રતિકૃતિનાં વધામણાં લેવામાં આવ્યાં હતાં. કર્ણપ્રિય મધુર સૂરોની સાથે કરાવવામાં આવેલી સમવસરણ વંદનાવલિમાં ભીંજાઈને સૌ લીન-તલ્લીન બની ગયા હતા.

ઉપરાંત જીવનમાં ધર્મનો સહારો પામી લેવાની પાવન પ્રેરણા આપતી પ્રેરણાત્મક શૉર્ટ મૂવીની પ્રસ્તુતિનાં દૃશ્યો સૌ માટે પ્રેરક બન્યાં હતાં. એ સાથે જ ગયા વર્ષના પર્વાધિરાજ પર્વમાં પરમ ગુરુદેવના શ્રી મુખેથી પ્રગટ થયેલાં પ્રભુ-વચનોના અક્ષરદેહ સ્વરૂપ ‘તૈયારી છે?’ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવતાં હર્ષ-હર્ષ છવાયો હતો.


વિશેષમાં પરમધામના વિશાળ પ્રાંગણમાં મૉડર્ન ટેક્નૉલૉજી અને બંગાળના કુશળ કારીગરોની કલા-કૌશલ્યના સંગમથી સર્જાયેલા કર્મ સિદ્ધાંત આધારિત લુક ઍન લર્ન કર્મ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવતાં જય-જયકાર વર્તાયો હતો.

ગુરુ ભગવંતનાં અમૃતબોધ વચનોની વહેતી ધારા સાથે સૌના હૃદયની ઊછળતી ભક્તિભાવના વચ્ચે પર્વાધિરાજ પર્વના પ્રથમ દિવસના થયેલાં ભવ્ય વધામણાં બાદ પર્વાધિરાજના દ્વિતીય દિવસ ૦૨-૦૯-૨૪ના સોમવારે વહેલી સવારે ૬.૩૦ વાગ્યે ઇનર ક્લીનિંગ કોર્સની સાથે તૂ હૈ તો સાધના જીવંત હૈ વિષય લઈને પરમ ગુરુદેવ ફરમાવશે પ્રભુની જ્ઞાનવાણીના અનોખા-અમૂલ્ય ભાવો અને ફરીને સત્યની પ્રતીતિ કરાવતા એક અનોખા પ્રૅક્ટિકલ પ્રયોગ અને પ્રેરણાત્મક દૃશ્યાંકનની પ્રસ્તુતિ થશે પરમધામ, વાલકસ વિલેજ,
તાલુકો-કલ્યાણ, મહારાષ્ટ્ર ખાતે.

આત્મકલ્યાણના ઇચ્છુક એવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને પર્વાધિરાજ પર્વના આયોજિત દરેક કાર્યક્રમમાં પધારીને આત્મહિત સાધવા પરમધામ સાધના સંકુલ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

02 September, 2024 09:19 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK