અંબાજી પ્રસાદનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો, મોહનથાળને બદલે ચીકી અપાતાં બ્રાહ્મણોએ વિરોધ નોંધાવ્યો, પ્રસાદની પરંપરા તોડતાં વિરોધના સૂર ઊઠ્યા: સ્થાનિકોએ આવેદનપત્ર આપી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવા માગણી કરી
માઈભક્તો દ્વારા મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરાવવાની માગણી કરવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાતમાં આવેલું વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં અંબે માતાજીના મંદિરમાં વર્ષોથી અપાતો મોહનથાળનો પ્રસાદ ન મળતાં માઈભક્તોમાં રોષ ફેલાયો છે. એટલું જ નહીં, છેલ્લા કેટલાક દિવસથી મોહનથાળનો પ્રસાદ ન મળતાં અંબાજી પ્રસાદનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બીજી તરફ પ્રસાદમાં મોહનથાળને બદલે ચીકી અપાતાં ભાવિકોમાં નારાજગી ફેલાઈ છે અને મોહનથાળના પ્રસાદની પરંપરા તોડવામાં આવતાં એની સામે વિરોધના સૂર ઊઠ્યા છે.
અંબાજી શક્તિપીઠ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. લોકો અહીં અંબે માતાજીનાં દર્શન કરવા આવે છે ત્યારે તેઓ અહીંનો જગપ્રસિદ્ધ મોહનથાળનો પ્રસાદ આરોગે છે અને સગાંસંબંધીઓ અને પાડોશીઓ માટે પણ પ્રસાદનાં પૅકેટ લઈ જતા હોય છે. કહેવાય છે કે મંદિરની સ્થાપના થઈ એ સમયથી મોહનથાળનો પ્રસાદ આપવામાં આવતો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી મોહનથાળનો પ્રસાદ મળતો નથી અને એને બદલે ચીકી આપવામાં આવી રહી છે. મંદિરમાં આવતા માઈભક્તોને આ ચીકી પસંદ ન આવતાં તેમનામાં નારાજગી ફેલાઈ છે અને તેઓ મોહનથાળનો પ્રસાદ માગી રહ્યા છે. અંબાજી મંદિરની ઓળખસમાન બની ગયેલો મોહનથાળનો પ્રસાદ ન મળતાં અંબાજીમાં સ્થાનિકો દ્વારા વિરોધ વ્યક્ત થયો છે અને સત્તાવાળાઓને આવેદનપત્ર આપીને મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરાવવા માગણી કરવામાં આવી છે. અંબાજીના બ્રાહ્મણોએ પણ પ્રસાદને લઈને વિરોધ કર્યો છે અને પ્રસાદને અંબાજી મંદિરનું અસ્તિત્વ ગણાવી પ્રસાદની પરંપરા તોડવા સામે રોષ વ્યક્ત કરીને ચીકી બંધ કરી મોહનથાળનો જ પ્રસાદ આપવા માગણી કરી છે.