ડાકોરઃપદયાત્રા કરીને આવતા ભાવિકો માટે દર્શનનો સમય વધારાશે
ડાકોર રણછોડરાયજી મંદિર (તસવીર સૌજન્યઃયુટ્યુબ)
હોળી–ધૂળેટીનું પર્વ નજીક આવી ગયું છે ત્યારે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન શ્રી રણછોડરાયજીના મંદિરમાં ફાગણી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પદયાત્રા કરીને આવતા લાખ્ખો ભાવિકોને ભગવાનનાં દર્શન કરવામાં કોઈ તકલીફ ન પડે એ માટે દર્શનનો સમય વધારવામાં આવશે.
ડાકોરમાં શ્રી રણછોડરાયજી મંદિર ખાતે આગામી તા.૧૯-૨૦ માર્ચના રોજ હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે ૧૦ લાખથી વધુ યાત્રાળુઓ આવવાની સંભાવનાને લઈ જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા આગોતરું આયોજન કરાયું છે. ખાસ કરીને પદયાત્રીઓ, યાત્રિકોની સલામતિ માટે પોલીસ તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત તૈનાત કરાયો છે. ડાકોરમાં હોળી-ધૂળેટી મહોત્સવ અંગે મીડિયા પરિષદમાં ખેડા જિલ્લા કલેકટર સુધીર પટેલે તંત્રના આયોજન અંગે જાણકારી આપી હતી.
ADVERTISEMENT
જેમાં ડાકોરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા જિલ્લાના કુલ 44 નાયબ મામલતદારોને 17 માર્ચથી એકઝી. મેજીસ્ટ્રેટ તરીકે નિમણૂંક કરાશે. ડાકોર શહેરમાં વિવિધ આઠ ઠેકાણે મોબાઈલ ટોઈલેટ વાન તેમજ ૧૩ પે એન્ડ યુઝ શૌચાલય અને પાંચ સ્થળોએ ફાયર ફાઈટર તૈનાત રહેશે. ગોમતી તળાવમાં ત્રણ નૌકાવિહારના સંચાલક તથા ૧૬ તરવૈયા હાજર રાખવામાં આવ્યાં છે.
પદયાત્રિકોના રૂટ પર ૧૦ સ્થળોએ મેડિકલ કેમ્પ ઉભા કર્યાં છે.સાથે સાથે ત્રણ મોબાઈલ ટીમ રૂટ પર કાર્યરત રહેશે. આ ઉપરાંત ડાકોર રેફરલ હોસ્પિટલ તેમજ ખેડા, ડાકોર અને નડિયાદ બેઈઝ હોસ્પિટલ કાર્યરત રહેશે. વિવિધ ડેપોની વધારાની ૩૦૦ એસ.ટી બસો યાત્રિકોને લાવવા-લઈ જવા ફાળવવામાં આવી છે.તા ૧૭ માર્ચથી તા.૨૧ માર્ચ દરમિયાન તાલુકા પંચાયત કચેરી ગળતેશ્વરના ૧૭ કર્મચારીઓને મહિસાગર નદીકિનારે ફરજ સોંપાઈ છે. તરવૈયાઓ પણ તૈનાત કરાયાં છે. જ્યાં કોઈ દુર્ઘટના સર્જાય તો તરત તેને પહોંચી વળાય. મંદિરમાંથી ઈમરજન્સીના સમયે નીકળવા માટે ડાકોર મંદિરથી ગોમતી તળાવ વાહનપાર્કિંગના રસ્તેથી વહેરાઈ માતના મંદિરથી રણછોડપુરાથી મહુધા હાઈવે સુધીનો માર્ગ અનામત રાખ્યો છે.
સમગ્ર ડાકોર સીસીટીવીથી સજજ : યાત્રિકોની ફરિયાદ માટે પોલીસ વિભાગ દ્વારા ૭ર૧૧૧ ૩૪૭૭૭ વોટસઅપ નંબર
ફાગણી પૂનમના મેળા દરમ્યાન ડાકોરમાં વ્યવસ્થાના ભાગરૂપે ૧૭ ડીવાયએસપી, ૩પ પીઆઇ, ૯પ પીએસઆઇ, ૮૦૦ પો.કો.,૭પ૦ હોમગાર્ડસ સહિત ચેતક કમાન્ડો અને એસઆરપીની પાંચ કંપની તૈયાર કરવામાં આવી છે. પદયાત્રીઓના તમામ રૂટ પર ર૭ પોલીસ સહાયતા કેન્દ્રો ઉભા કરાયા છે. સમગ્ર ડાકોર શહેરને સીસીટીવી કેમેરાથી સજજ કરવા સાથે નેત્ર પ્રહરી પોલીસ વાહનો રાઉન્ડ ધી કલોક બાજનજર રાખીને યાત્રિકોની સુરક્ષા કરશે. આ ઉપરાંત ઘોડેસ્વાર પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા ૭ર૧૧૧ ૩૪૭૭૭ વોટસઅપ નંબર શરૂ કરાયો છે. જેના પર દર્શનાર્થીઓ, ગૂમ થયેલ બાળકો અંગેની ફરિયાદ કરી શકાશે. ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા ડાકોર મેળા-ર૦૧૯ ફેસબુક એકાઉન્ટ શરુ કરાયું છે જેના પર યાત્રિકો પોતાના પ્રતિભાવો આપી શકશે.
આ પણ વાંચોઃ સોમનાથમાં મળશે ફક્ત શાકાહારી ભોજન, નોન-વેજ પર પ્રતિબંધ
યાત્રિકોને રણછોડજીના દર્શન માટે ૬ એલઇડી, ૬ પ્રોજેકટર સ્ક્રીન
ડાકોરમાં આવનાર યાત્રિકોને દર્શન માટે ૬ એલઈડી તથા ૬ પ્રોજેક્ટર સ્ક્રીન મૂકાશે. ઉપરાંત રણછોડજી મંદિરમાં ૪૭ તેમજ શ્રી લ-મીજી મંદિરમાં ૮ સીસીટીવી કેમેરાની બાજનજર રહેશે.