‘યે તૂફાન ભી કિતના ડરાતા હૈ’ હાશ, ગુજરાતમાં મહા વાવાઝોડું નહીં ત્રાટકે
મહા વાવાઝોડું
મહા વાવાઝોડાનું સંકટ હવે ગુજરાત પરથી ટળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારને ટકરાશે નહીં. વાવાઝોડું સિવિયર સાઇકલોન બન્યું છે, જે પોરબંદરથી ૪૫૦, વેરાવળથી ૪૯૦ અને દીવથી ૫૪૦ કિલોમીટર દૂર છે.
રાજ્યમાં વાવાઝોડાના અલર્ટ બાદ સૌરાષ્ટ્રના દરિયાકિનારે સુરક્ષા વધારી દેવામાં આવી છે. જામનગર અને દીવમાં પણ દરિયાકિનારે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે મહા નામનું વાવાઝોડું સાતમી નવેમ્બરે બપોરના સમયે ગુજરાતના દરિયાકિનારે ટકરાઈ શકે છે. સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતના તીથલ અને સુવાલી દરિયાકિનારે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હાલ દરિયાકિનારે બૅનર પણ લગાવી દેવામાં આવ્યાં છે અને પર્યટકોને દરિયાકિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જામનગર, ભાવનગર અને નવસારીના દરિયાકિનારે એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
મહા વાવાઝોડું ફંટાઈ રહ્યું છે, હવે ચિંતા કરવાની જરૂર નથી તેવું કૃષિપ્રધાન આર. સી. ફળદુએ જણાવ્યું છે. વધુમાં જણાવ્યું કે લોકોએ રાજ્યમાં બીજા સ્થળે સ્થળાંતર કરવાની જરૂર નથી. વાવાઝોડાની ગતિમાં સતત ઘટાડો થઇ રહ્યો છે જેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી.
વાવાઝોડાના કારણે જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારે સુરત, ભરૂચ, આણંદ, બોટાદ, પોરબંદર અને રાજકોટમાં વરસાદ પડશે. આ વાવાઝોડું દીવના દરિયાકાંઠાથી ૪૦ કિમી દૂર ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે.
અરબી સમુદ્રમાં સર્જાયેલ લો-પ્રેશરને લીધે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બે દિવસ મહા વાવાઝોડાની અસર દેખાશે. ૭ તારીખ દરમ્યાન દ્વારકા સહિતના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ સાથે વાવાઝોડું આવે તેની સંભવિત અસરના પગલે ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા આજથી બેટ-દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. સુરત-મુંબઈ વચ્ચે ક્રૂઝ સર્વિસ શરૂ કરવાની હતી પરંતુ તે હાલપૂરતી મોકૂફ રાખવામાં આવી છે. ૧૦ નવેમ્બરે શરૂ થનારી ક્રૂઝ સર્વિસ ૧૫ નવેમ્બરે શરૂ થશે.
મહા વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો નોંધાતાં રાજય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. વાવાઝોડું નબળું પડતાં દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી સ્થળાંતર નહીં કરવાનો પ્રાથમિક તબક્કે નિર્ણય લેવાયો છે. કૅબિનેટ બેઠકમાં આ અંગે ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે. મહત્ત્વનું છે કે મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ૭૦થી ૮૦ પ્રતિ કલાક ગતિથી ટકરાવવાની શક્યતા છે. આવામાં સરકાર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે. મુખ્ય પ્રધાન રૂપાણી પ્રતિ બે કલાકે વાવાઝોડા અંગે રિપોર્ટ મેળવી રહ્યા છે.
દીવના વણાકબારામાં નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર શરૂ કરાયું છે. જલારામ સોસાયટી, ગોમતી સોસાયટી સહિતના વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાઈ રહ્યા છે. તમામ લોકોને માધ્યમિક શાળામાં બનાવેલ શેલ્ટર હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરાવાઈ છે. તો બીજી તરફ દીવના બ્લૂ ફ્લેગ બીચ, ઘોઘલા અને દીવના નાગવા બીચને બંધ કરવામાં આવ્યા છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલું મહા વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે નવસારી જિલ્લાના કાંઠાના ગામોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યાં છે.
કાંઠાના માછીમારોએ પણ પોતાની બોટ કિનારે લાંગરી દીધી છે. નવસારીના જલાલપોર તાલુકાના બોરસી માછીવાડ ગામના માછીમારોએ પોતાની ટ્રોલર બોટો અને નાનાં હોડકાઓને પણ કિનારે મૂકી દીધા છે.
જોકે મહા વાવાઝોડાની અસરને લઈને તંત્ર પણ સાબદું થયું છે અને સંબંધિત અધિકારીઓને પણ હેડ ક્વાર્ટર ન છોડવા માટે કલેકટર દ્વારા સૂચના પણ આપી દીધી છે અને વાવાઝોડાની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
મહા મૂંઝવણ
ADVERTISEMENT
પોરબંદર અને દીવ વચ્ચે સ્થિર થયેલું ‘મહા’ સાયક્લોન આજે વહેલી સવાર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે, જેને લીધે ગુજરાતે તારાજી નહીં જોવી પડે, પણ આવતા ૪૮ કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને એની શરૂઆત ગઈ કાલે સાંજથી જ થઈ ગઈ
અરબી સમુદ્રમાં ડેવલપ થયેલા ‘મહા’ સાયક્લોનની તાકાત ગઈ કાલે બપોરથી જ ઘટવાની શરૂઆત થઈ જતાં ગુજરાતે નિરાંતનો શ્વાસ લીધો હતો, પણ ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ ‘મહા’ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે નહીં, પણ એની આડઅસર જોવા મળશે અને આવતા ૪૮થી ૭૨ કલાક સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈ કાલે સાંજથી જ ‘મહા’ અરબી સમુદ્રમાં ઓસરવાનું શરૂ થઈ ગયું હતું, પણ એને લીધે સર્જાયેલા ડીપ ડિપ્રેશનને લીધે દીવ અને પોરબંદરથી લઈને છેક જૂનાગઢ સુધી ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. વરસાદની અસર તો છેક રાજકોટ અને ભાવનગર સુધી વર્તાઈ હતી; જ્યારે સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
કારતક મહિનામાં પડી રહેલો આ વરસાદ અષાઢ અને શ્રાવણના વરસાદને પણ પાછો પાડે એવો આકરો હતો. ત્રણ દિવસના આ વરસાદને કારણે અત્યારે જો ગુજરાતમાં સૌથી વધારે ચિંતાતુર બન્યા હોય તો એ ખેડૂતો છે. એવી ધારણા મૂકવામાં આવી રહી છે કે આ વરસાદને કારણે ગુજરાતના ૭૦ ટકાથી વધારે પાકને નુકસાન થશે.