હા, ગુજરાતમાં અત્યારે એવું જ બન્યું છે : બિપરજૉય સામે લડવાની માનસિકતા સાથે કરવામાં આવેલી ગુજરાત સરકારની તૈયારી એવી સજ્જડ હતી કે મિશન મિનિમમ કૅઝ્યુઅલ્ટી લગભગ સફળ રહ્યું હતું ઃ જોકે વાવાઝોડા અને એ પછી ઉત્તર ગુજરાતમાં ચાલુ રહેલા મેઘતાંડવને લીધે થયેલા
‘બિપરજૉય’ સાથે આવેલા વરસાદને લીધે કચ્છના માંડવીમાં ભારે પાણી ભરાયાં હતાં.
રાજકોટ : છેલ્લાં ૩૫ વર્ષમાં આવેલાં તમામ સાઇક્લોનમાં સૌથી વધારે તાકાતવાન અને વિશાળ બિપરજૉય ત્રાટકે એવા સમયે મિનિમમ કૅઝ્યુઅલ્ટી રહે એ પ્રકારની તૈયારી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી, જે તૈયારીઓ હવે સાર્થક પુરવાર થઈ છે અને સાઇક્લોન પસાર થયાના ઑલમોસ્ટ ૩૬ કલાક પછી હજી સુધી મરણાંક બે આંકડે પહોંચ્યો નથી. ગુજરાત સરકારના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે ‘કુદરતી આફત સામે કશું કરી નથી શકતા એ આપણી લાચારી છે, પણ અમારો અભિગમ સ્પષ્ટ હતો કે ઝીરો કૅઝ્યુઅલ્ટી રહે અને એક પણ વ્યક્તિનો જીવ ન જાય. સિનિયર નેતાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમે કામ કર્યું અને અત્યારે અમને ખુશી છે કે એકાદ-બે છૂટક ઘટનાઓ સિવાય ક્યાંયથી કોઈ દુખદ સમાચાર નથી.’
બિપરજૉય આવશે એ વાતનો અણસાર મળ્યા પછી કામે લાગી ગયેલી ગુજરાત સરકાર દ્વારા સાઇક્લોનના રૂટમાં આવતી માનવવસાહતો ખાલી કરાવવાની સાથોસાથ નીચાણવાળા વિસ્તારો અને સાઇક્લોન ત્રાટકી શકે એવા એરિયાને નો-મેન્સ લૅન્ડ ઘોષિત કરવા સુધીનાં આકરાં પગલાં લેવામાં આવ્યાં હતાં.
મહત્તમ સ્થળાંતર
બિપરજૉયથી શરૂ થયેલા ઍડ્વાન્સ કામના ભાગરૂપે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી કુલ ૯૭,૦૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જેમાં મહત્તમ સ્થળાંતર કચ્છમાંથી થયું હતું. કચ્છમાંથી પ૧,૦૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાંથી ૪ લાખથી વધારે ગાય-ભેંસ, બળદ, બકરી અને ઊંટનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સ્થળાંતર થયેલા લોકોમાં પ્રેગ્નન્ટ મહિલાઓનો પણ સમાવેશ છે. હર્ષ સંઘવીએ કહ્યું કે ‘૨૦ જૂન સુધી જેને ડિલિવરી આવી શકે છે એવી ૫૦૦થી વધારે મહિલાઓ માટે શેલ્ટર હોમમાં તમામ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી હતી અને તેમને સહેજ પણ તકલીફ ન પડે એની કાળજી રાખી હતી.’
સાવચેતીના ભાગરૂપે સ્કૂલ-કૉલેજ પણ બંધ કરવામાં આવી જે આવતી કાલે પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
બૉક્સ ઃ
શું ઉત્તર ગુજરાત રેકૉર્ડ બગાડશે?
સાઇક્લોને છેલ્લા કલાકોમાં પોતાનો રૂટ ચેન્જ કરીને જે રીતે ઉત્તર ગુજરાતમાં એન્ટ્રી કરી અને ત્યાં પણ જે પ્રકારે ભારે પવન સાથે અતિભારે વરસાદ શરૂ થતાં એવી આશંકા મૂકવામાં આવે છે કે ઝીરો કૅઝ્યુઅલ્ટીની દિશામાં કામ કરતી ગુજરાત સરકારની અત્યાર સુધીની મહેનત ઉત્તર ગુજરાત બગડી શકે છે.
ઉત્તર ગુજરાતમાં સાઇક્લોન દાખલ થાય એવી સંભાવના નહીંવત્ હતી એટલે એ વિસ્તારમાં સરકાર દ્વારા સાવચેતીનાં સામાન્ય પગલાં લેવામાં આવ્યાં હોવાનું કહેવાય છે પણ સાઇક્લોનનો રૂટ બદલાતાં તમામ પ્રકારની સૂચનાઓ આપીને કામગીરી શરૂ કરવામાં આવી, પણ એ અંતિમ ઘડીની દોડધામ હતી એટલે ખેદ સાથે કહેવું પડે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં જે પ્રકારનું સર્વોત્તમ પરિણામ મળ્યું એવું પરિણામ ઉત્તર ગુજરાતમાં ન મળે.