માતાને ઉદ્દેશીને સૉરી કહી બેડરૂમની દીવાલ પર સુસાઇડ-નોટમાં આ વાત જણાવી : પતિ, પત્ની અને સાત વર્ષના પુત્રનો આપઘાત
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે )
અમદાવાદ : વડોદરામાં વાઘોડિયા રોડ પર આવેલા દર્શનમ ઉપવન ડુપ્લેક્સમાં રહેતા પ્રીતેશ મિસ્ત્રીએ તેની પત્ની અને સાત વર્ષના પુત્ર સાથે આર્થિક સંકડામણના કારણે સામૂહિક આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. પોતાની માતાને ઉદ્દેશીને સૉરી કહીને બેડરૂમની દીવાલ પર સુસાઇડ-નોટ લખીને મિસ્ત્રી પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરતાં સંસ્કારી નગરી વડોદરામાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે. દીવાલ પર સુસાઇડ-નોટમાં લખવામાં આવ્યું હતું કે ‘દેવું ખૂબ જ વધી ગયું છે, હવે અમારી પાસે બીજો કોઈ ઑપ્શન રહ્યો નથી.’
વડોદરા પોલીસે મીડિયાને કહ્યું હતું કે ‘પ્રીતેશ મિસ્ત્રીના ઘરમાંથી દીવાલ પર અને મોબાઇલમાં લખાણ મળેલું છે, જે મુજબ તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી અને ઘણીબધી લોન લીધી હોવાથી આર્થિક સંકડામણના લીધે તેમણે આ પગલું ભર્યું છે એવું જણાવ્યું છે. કોઈ વ્યક્તિ પર આક્ષેપ કર્યો નથી.’
ADVERTISEMENT
પ્રીતેશ મિસ્ત્રી શૅરબજારનું કામ કરતા હતા. બૅન્કમાંથી લોન લીધી હતી અને દેવું વધી ગયું હતું. તેમણે તેમનાં મમ્મીને ઘરે બોલાવ્યાં હતાં. ગઈ કાલે તેમનાં મમ્મી ઘરે ગયાં તો તેમનો દીકરા પ્રીતેશને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતાં તેમ જ તેની પત્ની સ્નેહા અને પુત્ર હર્ષિલના મૃતદેહ પલંગ પર પડેલા જોતાં તેઓ હેબતાઈ ગયાં હતાં અને બૂમાબૂમ કરી મૂકતાં આસપાસના પાડોશીઓ એકઠા થઈ ગયા હતા.
એવું કહેવાઈ રહ્યું છે કે કદાચ પહેલાં પ્રીતેશે તેની પત્નીને લટકાવી દીધી હશે. એ પછી તેમના પુત્રનું મોઢું દબાવી દીધું હશે અને એ પછી તેણે લટકી જઈને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હશે.