અમદાવાદમાં દરદીઓ મોડા દાખલ થતાં હોવાથી મૃત્યુદર વધ્યો: ગુલેરિયાનું તારણ
ફાઈલ ફોટો
રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસને લઈ મોડી રાતે દિલ્હી એઈમ્સના ડૉ. રણદીપ ગુલેરિયા તેમની ટીમ સાથે અમદાવાદ આવી પહોંચ્યા હતા. સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધા બાદ એઈમ્સના ડાયરેક્ટરે જણાવ્યું છે કે હૉસ્પિટલમાં સારવાર સારી થઈ રહી છે. લક્ષણો જણાતાં હોય તો ટેસ્ટ કરાવો. પોતાની અને બીજાની જિંદગી બચાવો. અહીં મોડા દાખલ થાય છે તેથી મૃત્યુદર વધ્યો છે. વહેલી સારવારથી મૃત્યુદર ઘટી શકે છે. લક્ષણ દેખાય તો લોકો તુરંત ટેસ્ટ કરાવે અને અહીં લક્ષણો લઈને દરદી કોવિડ હૉસ્પિટલમાં જાય છે, તો સ્ટાફ આટલાં લક્ષણો પૂરતાં નથી, હજી અઠવાડિયું રહીને આવો એમ કહીને પાછા ધકેલે છે. ઉંમરલાયક લોકો અને ખાસ જેઓને બીમારી છે તેવા લોકોનું ધ્યાન રાખવું જોઈએ. લક્ષણ દેખાય તો તરત સારવાર માટે જવું જોઈએ.
આજે સવારે ૯ વાગ્યે ડૉ. રણદીપ ગુલેરિયા અને તેમની ટીમ અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં પહોંચી હતી. આરોગ્ય વિભાગના સચિવ ડૉ. જયંતી રવિ, સિવિલમાં તાત્કાલિક એમ. એમ. પ્રભાકર સહિતના સિનિયર ડૉકટરો સાથે કોરોનાની સારવાર અને તેની માહિતી અને પ્રેઝન્ટેશન અંગેની બેઠક યોજાઈ હતી. ડૉ. રણદીપ ગુલેરિયા અને મનીષ સૂનેજાએ અમદાવાદ મેડી સિટી કેમ્પસમાં અસ્મિતા ભવન ખાતે સ્થાનિક તબીબો સાથે બેઠક યોજી તેમનું માર્ગદર્શન કર્યું હતું.
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોના વાઇરસનો વિસ્ફોટ યથાવત્ છે. ગુજરાતમાં અમદાવાદ કોરોનાનું કેન્દ્ર બન્યું છે ત્યારે ૩૦૦થી વધુ લોકોનાં અત્યાર સુધીમાં મોત થયાં છે. અમદાવાદમાં ૫૨૦૦થી વધુ કેસ સામે આવી ચૂકયા છે. આ બધાની વચ્ચે ગૃહપ્રધાન અમિત શાહના આદેશથી ઍમ્સ (દિલ્હી)ના ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયા અને ડૉ. મનીષ સુરજા અમદાવાદ પહોંચ્યા હતા. બન્નેઅે સિવિલ હૉસ્પિટલ અને એસવીપી હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. સિવિલ હાગસ્પિટલ અને એસવીપી હૉસ્પિટલના ડૉકટર્સને કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
આજે સવારથી અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં આરોગ્ય વિભાગના સચિવ ડૉ. જયંતી રવિ, સિવિલમાં તાત્કાલિક એમ. એમ. પ્રભાકર સહિતના સિનિયર ડૉકટરો સાથે કોરોનાની સારવાર અને તેની માહિતી અને પ્રેઝન્ટેશન અંગેની બેઠકો થઈ હતી.