કોરોનાનો પ્રકોપ વિશ્વભરમાં વધતાં ગુજરાતમાં લોકો પણ હવે વધુ સતર્ક થઈ ગયા છે
અમદાવાદમાં હેલ્થ સેન્ટર પર કોરોનાની રસીનો ડોઝ લેવા લાગેલી નાગરિકોની લાઇન
વિશ્વભરમાં કોરોનાએ ફરી એક વાર માથું ઊંચક્યું છે અને એના કારણે એક પ્રકારની દહેશતનું વાતાવરણ ઊભું થયું છે ત્યારે કોરોનાના ડરથી નાગરિકો સચેત થયા છે અને જેમને કોરોનાની વૅક્સિનનો પ્રિકૉશન ડોઝ બાકી છે એ ડોઝ લેવા માટે સચેત બન્યા છે અને આરોગ્ય કેન્દ્રમાં જઈને લાઇન લગાવી છે. છેલ્લા છ દિવસ દરમ્યાન ગુજરાતમાં ૪૨,૦૦૦થી વધુ લોકોએ પ્રિકૉશન ડોઝ લીધા છે.
કોરોનાએ ફરી વાર દેખા દીધી છે અને દુનિયામાં ધીરે-ધીરે એનો ફેલાવો કરી રહ્યો છે ત્યારે દેશ અને રાજ્યોનાં આરોગ્ય તંત્ર અલર્ટ બન્યાં છે અને દેશમાં અને ગુજરાતમાં કોરોનાનો નવો વેરિઅન્ટ પગપેસારો ન કરે એની તકેદારી લઈ રહ્યા છે. બીજી તરફ નાગરિકો પણ કોરોનાથી સાવચેત થયા છે અને જેમને કોરોના વૅક્સિનના બે ડોઝ લઈ લીધા છે, પણ પ્રિકૉશન ડોઝ નથી લીધો તેવા નાગરિકો અગમચેતી રાખીને આરોગ્ય કેન્દ્રો પર પ્રિકૉશન ડોઝ લેવા માટે જઈ રહ્યા છે. નાગરિકોમાં જાગૃતિ આવી રહી છે. અમદાવાદમાં આવેલા હેલ્થ સેન્ટર્સમાં પ્રિકૉશન ડોઝ લેવા માટે નાગરિકો લાઇન લગાવી રહ્યા છે. તેઓ લાઇનમાં ઊભા રહીને રસી લઈને સુરક્ષિત બન્યાનો અહેસાસ કરી રહ્યા છે. ૨૧ ડિસેમ્બરથી ગઈ કાલ સુધીમાં ગુજરાતમાં ૧૮થી ૫૯ વર્ષની ઉંમરના ૪૨,૬૩૭ લોકોએ પ્રિકૉશન ડોઝ લીધા છે. ગુજરાતમાં ગઈ કાલ સુધીમાં ૧૮થી ૫૯ વર્ષના ૧,૩૪,૫૦,૩૧૬ નાગરિકોએ પ્રિકૉશન ડોઝ લીધા છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ગયા શુક્રવારે ગુજરાતના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ‘ગુજરાતમાં ૩૩ ટકા પ્રિકૉશન ડોઝ અપાયો છે, જેને ૧૦૦ ટકા સુધી પહોંચાડવા સરકાર પ્રયાસ કરવાની છે અને ટૂંક સમયમાં પ્રિકૉશન ડોઝ માટે સરકાર ડ્રાઇવ યોજશે.’
બીજી તરફ અમદાવાદ શહેરમાં શુક્રવાર સુધીમાં ૧૦ લાખ લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો છે. અમદાવાદમાં ૨૪ ટકા લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો છે, ૭૬ ટકા લોકોએ બૂસ્ટર ડોઝ લીધો નથી.
42,367
અમદાવાદમાં છેલ્લા ૬ દિવસમાં આટલા લોકોએ કોરોના વૅક્સિનનો ડોઝ લીધો