અમદાવાદમાં કેસિઝની સંખ્યા થઇ 13, મ્યુનિસિપલ કમિશનરે જનતાને કરી તાકીદ
અમદાવાદનાં મ્યુનિસિપલ કમિશન વિજય નેહરાએ જનતાને કરી અપીલ
તાજેતરમાં જ આવેલા સમાચાર અનુસાર અમદાવાદ જિલ્લામાં ટોટલ પોઝિટિવ કેસિઝની સંખ્યા 13 થઇ છે જ્યારે અમદાવાદ શહેરમાં આ આંકડો 12 છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશન વિજય નેહરાએ હમણાં જ કરેલી જાહેરાત અનુસાર 12 કેસિઝમાં એક વ્યક્તિ અમદાવાદની નથી પરંતું તે દુબઇથી અમદાવાદ આવીને જયપુર જવાની હતી. તે શખ્સની એરપોર્ટ પર તપાસ થતાં અને બાદમાં હૉસ્પિટલમાં ટેસ્ટ કરાવતા રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો. આ સિવાય અમદાવાદનાં હોય તેવા 12 કેસ છે અને તે બધાં જ વિદેશથી આવેલી વ્યક્તિઓ છે. આ 12માંથી એક વ્યક્તિનો કેસ એવો છે કે તેમના પરિવારજનોને ક્વોરેન્ટિનમાં મૂક્યા બાદ અને ટેસ્ટિંગ બાદ કબર પડી કે તેમના ઘરમાં કામ કરતી એક વ્યક્તિનો કેસ પણ પૉઝિટીવ આવ્યો. દસ કેસ કેટેગરી વનનાં છે અને 1 કેસ કોન્ટેક્ટ ટ્રાન્સમિશનથી થયેલો છે. મ્યુનિસિપલ કમિશનરે મીડિયાને જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં કેસિઝની સંખ્યા હજારો પાર કરી શકે છે ત્યારે વિદેશમાં જે રીતે સવલતો ખડી કરાઇ છે તે જ સ્તરની સવલતો અહીં પણ ખડી કરાય તેનો પ્રયાસ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન કરી રહ્યું છે અને તંત્ર સાબદું છે. એક સાથે પાંચ હજાર જણાંને ક્વોરેન્ટાઇન કરી શકાય તેવી સગવડ અમદાવાદ મ્યુનિસ્પલ કોર્પોરેશને કરી છે અને જરૂર પડ્યે 10000ની સવલત ખડી કરવી પડશે તો તેમ પણ થશે.