કૉન્ગ્રેસના રાજ્યસભાના સદસ્ય શક્તિસિંહ ગોહિલે આ કૌભાંડની તપાસ CBI દ્વારા થાય એવી માગણી કરી
ખ્યાતિ મલ્ટિ સ્પેશ્યલિટી હૉસ્પિટલ
ગુજરાતમાં ચકચાર મચાવનાર ખ્યાતિ મલ્ટિ સ્પેશ્યલિટી હૉસ્પિટલના સ્કૅમનો પડઘો ગઈ કાલે લોકસભામાં પડ્યો હતો. કૉન્ગ્રેસના રાજ્યસભાના સંસદસભ્ય શક્તિસિંહ ગોહિલે ગૃહમાં ખ્યાતિ હૉસ્પિટલમાં થયેલાં બે મૃત્યુ અને હૉસ્પિટલે કરેલા કૌભાંડ માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસની માગણી કરી છે.
શક્તિસિંહ ગોહિલે ગઈ કાલે સંસદમાં ઝીરો અવર્સમાં અમદાવાદની ખ્યાતિ મલ્ટિ સ્પેશ્યલિટી હૉસ્પિટલના સ્કૅમનો મુદ્દો ઉઠાવતાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘ખ્યાતિ હૉસ્પિટલમાં સમજીવિચારીને કરવામાં આવેલી સાજિશ પ્રમાણે ગામમાં ફ્રી મેડિકલ કૅમ્પ યોજીને ગામના ગરીબ દરદીઓને જરૂર ન હોવા છતાં હૉસ્પિટલમાં બોલાવીને ઍન્જિયોગ્રાફી અને ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત હૉસ્પિટલ પૈસા ઉઠાવી લેતી હતી. કેટલાક દિવસ પહેલાં આ હૉસ્પિટલમાં જરૂર ન હોવા છતાં ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવતાં બે દરદીનાં મૃત્યુ થયાં હતાં. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ષડ્યંત્રના ભાગરૂપે પૈસા ઉઠાવવાનું કામ ચાલી રહ્યું હતું અને ગરીબ લોકોના જીવ સાથે ખિલવાડ થઈ રહ્યો હતો. આ વાતની પુષ્ટિ રાજ્ય સરકારે બનાવેલી કમિટીએ પણ કરી છે. આવી સાજિશ બીજી જગ્યાએ પણ ચાલતી હશે એને રોકવા અને ગરીબ લોકોના જીવ સાથે ખિલવાડ ન થાય એટલા માટે CBI દ્વારા તપાસ કરાવવામાં આવે.’