કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારોના મળીને ૧૬ જિલ્લાઓની તમામ ૮૩ બેઠક પર કૉન્ગ્રેસે હાર ખમવી પડી; જ્યારે બીજેપીને એકમાત્ર પોરબંદર જિલ્લામાં એકેય બેઠક ન મળી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ અમદાવાદમાં આવેલા ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના મુખ્ય કાર્યાલયમાં કાર્યકરોની અવરજવર પાંખી થઈ ગઈ હતી અને કાર્યાલય સૂમસામ બની ગયું હતું. (તસવીર : જનક પટેલ)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ મેળવેલા પ્રચંડ બહુમતી સાથેના વિજયી વાવાઝોડામાં ગુજરાતના ૧૬ જિલ્લાઓમાં કૉન્ગ્રેસ સાફ થઈ ગઈ છે અને આ ૧૬ જિલ્લાઓમાં કૉન્ગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારોના મળીને ૧૬ જિલ્લાઓની કુલ ૮૩ બેઠક પરના બહુમતી મતદારોએ કૉન્ગ્રેસના ઉમેદવારોને પસંદ કર્યા નથી એને કારણે આ જિલ્લાઓમાં કૉન્ગ્રેસ સમ ખાવા પૂરતી એક બેઠક પણ જીતી શકી નથી અને એણે હાર ખમવી પડી છે.
ગુજરાતમાં કચ્છ જિલ્લો, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં કૉન્ગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી અને આ ૧૬ જિલ્લાની કુલ ૮૩ બેઠકો પર બીજેપીએ વિજય મેળવ્યો છે. વિધાનસભાની આ ચૂંટણીમાં કૉન્ગ્રેસે ક્યારેય ન જોઈ હોય એવી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કૉન્ગ્રેસ માટે આ કારમી હાર પચાવવી અઘરી થઈ પડી છે. જ્યારે બીજેપીને પોરબંદર જિલ્લામાં એક પણ બેઠક મળી નથી.
ADVERTISEMENT
ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના મુખ્ય કાર્યાલયની બહાર ઘડિયાળ મુકાઈ હતી. જેની નીચે ‘પરિવર્તનનો સમય, સત્તામાં બીજેપીની છેલ્લી ઘડીઓ’ એમ લખાયું હતું, પણ કૉન્ગ્રેસનો સમય જતો રહ્યો હોય એમ આ ઘડિયાળ પણ બંધ થઈ છે.
કૉન્ગ્રેસને આ ચૂંટણીમાં માત્ર ૧૭ બેઠકો જીતીને કારમી હાર મળી છે. એક સમયે ૧૯૮૦ની વિધાનસભાની ચૂંટણીમાં ૧૪૧ બેઠકો પર અને ત્યાર બાદ ૧૯૮૫માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ૧૪૯ બેઠકો જીતીને ટોચ પર હતી અને કૉન્ગ્રેસે રેકૉર્ડ બનાવ્યો હતો, પણ કૉન્ગ્રેસનો આ વખતે ૧૭ બેઠકો જીતી છે જે કૉન્ગ્રેસ માટે ઓછી બેઠકો જીતવાનો રેકૉર્ડ હોઈ શકે છે. એટલું જ નહીં, પરંતુ છેલ્લી ચાર વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ગુજરાતમાં કૉન્ગ્રેસની બેઠકો સતત વધતી જતી હતી એના પર પણ આ વખતની ચૂંટણીમાં બ્રેક લાગી ગઈ છે અને બેઠકો તળિયે પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૨ની વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસ ૫૧ બેઠક જીતી હતી, ૨૦૦૭માં ૫૯ બેઠકો, ૨૦૧૨માં ૬૧ બેઠકો અને ૨૦૧૭માં કૉન્ગ્રેસ ૭૭ બેઠક જીતી હતી, જ્યારે આ ચૂંટણીમાં કૉન્ગ્રેસ માત્ર ૧૭ બેઠકો જીતી છે.