કૉન્ગ્રેસના નેતાને સપોર્ટ કરવા વડોદરા, તાપી સહિતના જિલ્લાઓ તેમ જ મહારાષ્ટ્રથી આવતા કૉન્ગ્રેસના કાર્યકરોને પોલીસે રોક્યા , મુંબઈથી કૉન્ગ્રેસના ગુજરાતી કાર્યકરો પણ સુરત પહોંચ્યા
સુરતમાં ગઈ કાલે બદનક્ષીના કેસમાં દોષી ગણાવતા આદેશને પડકારતી અરજી ફાઇલ કર્યા બાદ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી બસમાં રવાના થતા કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમનાં સિસ્ટર અને પાર્ટીનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે.
કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગઈ કાલે સુરત કોર્ટમાં આવ્યા ત્યારે તેમને મોરલ સપોર્ટ આપવા માટે પ્રિયંકા ગાંધી પણ ભાઈની સાથે આવ્યાં હતાં. સતત રાહુલ સાથે રહીને બહેન તરીકે પ્રિયંકા ભાઈની પડખે ઊભાં રહ્યાં હતા. બીજી તરફ રાહુલ ગાંધીને સપોર્ટ કરવા મુંબઈથી કૉન્ગ્રેસના ગુજરાતી કાર્યકરો પણ સુરત પહોંચ્યા હતા અને હાથમાં પ્લૅકાર્ડ સાથે વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
સુરત કોર્ટમાં આવેલા રાહુલ ગાંધી સાથે સતત તેમનાં બહેન પ્રિયંકા જોવા મળ્યાં હતાં. સુરત ઍરપોર્ટથી કોર્ટ સુધી તેઓ સાથે હતાં. બસમાં એક સીટ પર બેસીને ભાઈ-બહેન કોર્ટમાં પહોંચ્યાં હતાં. કોર્ટમાં પણ પ્રિયંકા ગાંધીએ ભાઈ સાથે રહીને સપોર્ટ કર્યો હતો. કોર્ટ પ્રાંગણમાં આ બાબત ઊડીને આંખે વળગી હતી.
ADVERTISEMENT
વડોદરાથી લક્ઝરી બસમાં સુરત જઈ રહેલા કૉન્ગ્રેસના કાર્યકરોને ભરૂચ પોલીસે રોકીને ડીટેન કર્યા હતા.
રાહુલ ગાંધી સુરત આવવાના હોવાથી તેમને સપોર્ટ કરવા ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં કૉન્ગ્રેસના કાર્યકરો આવી પહોંચ્યા હતા. જોકે વડોદરા, તાપી સહિતના જિલ્લાઓ તેમ જ મહારાષ્ટ્રથી આવતા કૉન્ગ્રેસના કાર્યકરોને પોલીસે રસ્તામાં રોક્યા હતા. વડોદરાથી લક્ઝરી બસમાં આવી રહેલા કૉન્ગ્રેસના કાર્યકરોને ભરૂચ હાઇવે પર રોકીને ડીટેન કર્યા હતા. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં કાર્યકરોને ડીટેન કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. સુરત જિલ્લાના આગેવાનોને નજરકેદ કરાયા હતા. મુંબઈથી આવેલા કૉન્ગ્રેસના કાર્યકરો સુરતમાં કોર્ટની સામેની સાઇડે પહોંચી ગયા હતા અને હાથમાં ‘લોકતંત્ર બચાવો – સેવ ડેમોક્રસી’નાં પ્લૅકાર્ડ સાથે મૌન પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો: રાહુલને રાહત: સુરત સેશન્સ કોર્ટે કૉંગ્રેસ નેતાને માનહાનિ કેસમાં આપ્યા જામીન
રાહુલ ગાંધી આવવાના હોવાથી સુરતમાં ઠેર-ઠેર ‘ડરો મત, સત્યમેવ જયતે; ના ડરેંગે, ના ઝૂકેંગે’ સૂત્રો સાથે પોસ્ટર લાગ્યાં હતાં. ગુજરાત કૉન્ગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા.
સુરત કોર્ટની બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તહેનાત હતા. કોર્ટમાં જતા નાગરિકોની પૂછપરછ કર્યા બાદ કોર્ટ સંકુલમાં જવા દેવામાં આવતા હતા.