મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે કોરોનીની સ્થિતિને ધ્યાને રાખી સમયને આધીન ભગવાન જગન્નાથની રથયાત્રા પર નિર્ણય લેવામાં આવશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( ફાઈલ ફોટો)
રાજ્યમાં ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. ત્યારે કોરોનાના કેટલાક નિયમો પણ હળવા કરવામાં આવ્યાં છે. ધાર્મિક સ્થળોને પણ ખુલ્લા મુકવામાં આવ્યાં છે. ત્યારે હવે ભગવાન જગન્નાથની રથયાત્રા પણ નિકળે તેવી લોકોમાં આશા જાગી છે. જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રા કાઢવા માટે પોલીસ કમિશ્નરને અરજી કરવામાં આવી શકે છે. જોકે મંદિર તરફથી સરકાર જે રીતે મંજૂરી આપે તેમ રથયાત્રા કાઢવાની તૈયારી બતાવવામાં આવી છે.
રથયાત્રાને લઈ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રથયાત્રા અંગે સમયને આધીન નિર્ણય લેવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેરની શક્યતા હોવાથી લોકોની સલામતી અને સાવચેતી રાખવી સરકારની ફરજ છે. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને રાખી રથયાત્રા પર યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે તેવું મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું છે.
ADVERTISEMENT
પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે રથયાત્રા મામલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
કોરોનાને કારણે વર્ષોથી ચાલી આવતી કેટલીય પરંપરાઓ તુટી છે. અષાઢી બીજના દિવસે આ વર્ષે જગન્નાથજીની રથયાત્રા યોજાશે કે નહીં તે અંગે ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જોકે 11 જૂનથી રાજ્ય સરકારે કોરોનાના પ્રતિબંધોમાં કેટલીક છુટછાટ આપી છે, તેથી ભક્તોને આશા બંધાઈ છે કે જગન્નાથ ભગવાનની રથયાત્રાનો લ્હાવો પણ તેમણે મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ કોરોનાને કારણે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું નહોતું. હાલમાં રાજ્યની સ્થિતિ જોઈએ તો કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. પરંતુ સરકાર કોરોનાની આગામી સ્થિતિને ધ્યાને રાખી સમય સંજોગો અનુસાર રથયાત્રા અંગે નિર્ણય લેશે.

