અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા, અમદાવાદ સહિતનાં સ્થળોએ આવેલાં માતાજીનાં મંદિરોમાં દર્શન કરવા ભાવિકો ઊમટ્યા, ઘટસ્થાપન સાથે શક્તિની ભક્તિની ઉપાસના શરૂ કરી માઈભક્તોએ
શક્તિપીઠ અંબાજીમાં ગુજરાતના પ્રધાન કુંવરજી હળપતિએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
ચૈત્ર નવરાત્રિના આરંભે ગઈ કાલે ગુજરાતમાં આવેલાં મંદિરોમાં માઈભક્તોનો જાણે કે સૈલાબ ઊમટ્યો હતો. યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા, અમદાવાદ સહિતનાં સ્થળોએ આવેલાં માતાજીનાં મંદિરોમાં દર્શન કરવા ભાવિકો ઊમટ્યા હતા. જુદાં-જુદાં મંદિરોમાં ઘટસ્થાપન વિધિ થઈ હતી અને ભાવિકોએ શક્તિની ભક્તિની ઉપાસના શરૂ કરી હતી.
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ગઈ કાલે માઈભક્તો અંબે માતાની ભક્તિમાં અને કમોસમી વરસાદમાં ભીંજાયા હતા. ભાવિકોની સાથે ગઈ કાલે અંબાજીમાં પ્રથમ નોરતે ગુજરાતના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન કુંવરજી હળપતિએ મંદિરમાં ભક્તિભાવપૂર્વક માતાજીનાં દર્શન અને પૂજા કરીને ધન્યતા અનુભવી હતી.
અંબાજી ઉપરાંત શક્તિપીઠ પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરે, બહુચરાજીમાં બહુચર માતાજીના મંદિરે, ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરે, કચ્છમાં માતાના મઢમાં આશાપુરા માતાજીના મંદિરે, કાગવડમાં ખોડલ માતાજીના મંદિરે, અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના મંદિરે અને માધુપુરાના અંબાજી માતાજીના મંદિરે તેમ જ ગુજરાતમાં અન્ય સ્થળોએ આવેલાં નાનાં-મોટાં મંદિરોમાં શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન કરવા મોટી સંખ્યામાં સવારથી ઊમટ્યા હતા.