આવું કહેતા રંગભૂમિના કલાકાર અર્ચન ત્રિવેદી પાસેથી આજે કૅન્સર ડેએ જાણીએ આ રોગ પછી તેમના જીવનમાં આવેલા પરિવર્તનને
Cancer Day
અમદાવાદના કલાકાર અર્ચન ત્રિવેદી
જેમના શરીરમાં બ્લડ, લિમ્ફો અને લંગ્સ કૅન્સર ૫૩ ટકા સ્પ્રેડ થઈ ગયું હતું અને બચે એવી શક્યતાઓ ધૂંધળી જણાતી હતી પરંતુ ઈશ્વરીય કૃપાના કારણે ત્રણ-ત્રણ કૅન્સરમાંથી સાંગોપાંગ સાજા થયેલા અમદાવાદના રંગમંચના કલાકાર અર્ચન ત્રિવેદી કૅન્સરમાંથી સાજા થયા પછી સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવતાં છેલ્લાં ૨૭ વર્ષથી દર વર્ષે એક કૅન્સરગ્રસ્ત બાળકને અડૉપ્ટ કરી રહ્યા છે એટલું જ નહીં, જે દરદીઓ એક યા બીજા કારણોસર કૅન્સરની ટ્રીટમેન્ટ છોડીને જતા રહ્યા હોય તેવા ૪૯૦ દરદીઓને સમજાવીને ફરી કૅન્સરની સારવાર શરૂ કરાવીને માનવતાની મિસાલ કાયમ કરવા સાથે ઝિંદાદિલીથી જીવન જીવતાં શીખવી રહ્યા છે. આજે કૅન્સર ડે છે ત્યારે જાણી લઈએ અર્ચનના જીવનનો મંત્ર ‘આઇ લવ યુ’ કેવી રીતે બન્યો.
૧૯૯૨માં હૉસ્પિટલમાં અર્ચન ત્રિવેદીને બ્લડના ૧૯ ઝાડા થઈ ગયા હતા. એ સમયની વાત કરતાં અર્ચન ત્રિવેદીએ કહ્યું હતું કે ‘૧૯૯૨ની ૧૬ જાન્યુઆરીએ મને બ્લડના ૧૯ ડાયેરિયા થયા હતા. એ સમયે ડૉક્ટરોએ ફૅમિલીને બોલાવી લીધી અને કહ્યું કે ઈશ્વરને પ્રાર્થના કરો. આવી મુશ્કેલી વચ્ચે ચોથા વર્ગનાં એક કર્મચારી સવિતામાસી એક ડોલ લઈને હાથમાં મોજાં પહેરીને આવ્યાં હતાં અને મારી ગંદકી ઉલેચતાં હતાં. એ જોઈને મારાથી બોલાઈ ગયું, સવિતામાસી આઇ લવ યુ. એ વખતે સવિતામાસીના ચહેરા પર બાળક જેવું સ્મિત રેલાઈ ગયું હતું. મને આ સ્મિત રાહત આપનારું બની રહ્યું હતું. એ દિવસથી આઇ લવ યુ બોલવાનો મારો જીવનમંત્ર બનાવ્યો. મને જે કોઈ મળે તેમની સાથે હું આઇ લવ યુ બોલીને વાત શરૂ કરું છું. આજ દિન સુધી એના કારણે જીવનમાં કોઈ મુશ્કેલી પડી નથી.’