ચાર સભ્યો તો સેન્ચુરિયન બ્લડ-ડોનર : બે સિનિયર સિટિઝન અમેરિકામાં બ્લડ-ડોનેશનની સેન્ચુરી મારીને પરત ફરશે
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં એક પટેલ પરિવાર એવો છે જેના ૨૭ સભ્યોએ ગયા ચાર દાયકામાં ૧૪૦૦ યુનિટ એટલે કે આશરે ૬૩૦ લીટર લોહીનું ડોનેશન કર્યું છે. આ ૨૭માંથી ચાર સભ્યો તો એવા છે જેમણે ૧૦૦ વાર રક્તદાન કર્યું છે અને એમાં પણ ૪૪ વર્ષના ડૉ. મૌલિન પટેલ તો ગુજરાતના યંગેસ્ટ સેન્ચુરિયન બ્લડ-ડોનર છે.
પહેલી ઑક્ટોબરે નૅશનલ વૉલન્ટરી બ્લડ ડોનેશન ડે નિમિત્તે વાતચીત કરતાં ડૉ. મૌલિન પટેલે કહ્યું હતું કે ‘પટેલ પરિવારની ત્રણ જનરેશનમાં ૧૬ મેમ્બરો એવા છે જેમણે પચાસ કે એથી વધુ વાર રક્તદાન કર્યું છે. મારા ૭૨ વર્ષના પિતા અશોક પટેલ અને ૭૧ વર્ષનાં મમ્મી શકુંતલાએ ૯૮ વાર રક્તદાન કર્યું છે. તેમણે એક અઠવાડિયા પહેલાં જ અમેરિકામાં રક્તદાન કર્યું છે. આપણા દેશમાં ૬૫ વર્ષની ઉંમર બાદ રક્તદાન કરી શકાતું નથી, પણ અમેરિકામાં આવી કોઈ મર્યાદા નથી. તેઓ રક્તદાનની સેન્ચુરી માર્યા બાદ જ ભારત પાછા ફરવાનાં છે.’
ADVERTISEMENT
પટેલ પરિવારમાં રક્તદાનની પરંપરા કેવી રીતે શરૂ થઈ એ વિશે બોલતાં ડૉ. મૌલિન પટેલે કહ્યું હતું કે ‘૧૯૮૫ના ફેબ્રુઆરી મહિનામાં મારા મોટા કાકા રમેશ પટેલે રક્તદાનની શરૂઆત કરી હતી. એક ઇવેન્ટમાં સત્ય સાંઈબાબાએ કહ્યું હતું કે લોહી એ પ્રવાહી પ્રેમ છે, એ બીજામાં પણ વહેવા દો. તેમના આ મેસેજથી પ્રેરાઈને મારા કાકાએ એ જ વર્ષે મેગા બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કર્યું હતું અને આ બ્લડ રેડ ક્રૉસ સોસાયટીને થૅલેસેમિયાના દર્દીઓની મદદ કરવા માટે મોકલાવ્યું હતું.’
આ કૅમ્પ બાદ પટેલ પરિવારના સભ્યોમાં બ્લડ-ડોનેશન માટે જાગૃતિ આવી હતી અને તેમણે દર ત્રણ મહિને બ્લડ-ડોનેશન કૅમ્પનાં આયોજન શરૂ કર્યાં હતાં. હાલમાં ૭૬ વર્ષના રમેશ પટેલે ૯૪ વાર રક્તદાન કર્યું છે. હવે તેમણે આરોગ્યલક્ષી મુશ્કેલી અને ઉંમરના બાધને લીધે રક્તદાન કરવાનું બંધ કર્યું છે.
ડૉ. મૌલિન પટેલ સિવાય પરિવારના સેન્ચુરિયન બ્લડ-ડોનર્સમાં રમેશ પટેલની દીકરી ડિમ્પલ, પુત્ર અમુલ અને રમેશ પટેલના ભાઈ ભરત પટેલનો સમાવેશ છે.
અમદાવાદ રેડ ક્રૉસ સોસાયટીના ચૅરમૅન એમિરેટસ મુકેશ પટેલે જણાવ્યું હતું કે બ્લડ-ડોનેશનના મુદ્દે પટેલ પરિવાર એક્સ્ટ્રા-ઑર્ડિનરી રેકૉર્ડ ધરાવે છે. અમદાવાદમાં ૧૩૦ જેટલા સેન્ચુરિયન બ્લડ-ડોનર્સ છે અને આખા ભારતમાં હાઇએસ્ટ નંબર છે.