વિરોધીઓની ડિપોઝિટ ડૂલ થાય એ રીતે લોકસભાની ચૂંટણી જીતવાનો ટાર્ગેટ રખાયો સુરેન્દ્રનગરમાં બીજેપીની કાwરોબારીમાં
ગુજરાત બીજેપીની કારોબારીની બેઠકમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત બીજેપીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (જમણે) ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ હવે લોકસભા ચૂંટણીમાં તમામ ૨૬ બેઠક જીતીને ગુજરાતમાં હૅટ-ટ્રિક કરવાનું લક્ષ્ય ગુજરાત બીજેપીએ રાખ્યું છે. એટલું જ નહીં, પરંતુ વિરોધીઓની ડિપોઝિટ ડૂલ થાય એ રીતે લોકસભાની ચૂંટણી જીતવાનો ટાર્ગેટ સુરેન્દ્રનગરમાં યોજાયેલી ગુજરાત બીજેપીની કારોબારીની બેઠકમાં રાખવામાં આવ્યો છે અને ભારે બહુમતીથી જીતવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગરમાં ગુજરાત બીજેપીની પ્રદેશ કારોબારીની બેઠકમાં બીજા દિવસે ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, બીજેપી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર, ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ૨૦૨૪માં આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠક સતત ત્રીજી વાર જીતવા માટેનો લક્ષ્યાંક રાખવમાં આવ્યો છે અને એના માટે કઈ રીતે કામ કરવું, ડેટા મૅનેજમેન્ટ, બૂથ, પેજ કમિટીને મજબૂત કરી કાર્યકર્તાઓ સાથે સંપર્કમાં રહીને રોડમૅપના માધ્યમથી કામ કરવા માટેની રણનીતિ ઘડવામાં આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : ચૂંટણીને ૪૦૦ દિવસ બાકી, તમામ મતદાતા સુધી પહોંચો
ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું હતું કે ‘ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક બેઠક મેળવવામાં મહત્ત્વનું શ્રેય જો કોઈને જાય તો એ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. આજે પણ જનતાને નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ છે, જેને કારણે બીજપીને ફરી રેકૉર્ડબ્રેક બેઠક આપી ગુજરાતને વિકાસશીલ બનાવવાની જવાબદારી બીજેપીને આપી છે. આ જીતના શ્રેય માટે નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, કાર્યકરો અને મતદારોનો આભાર વ્યક્ત કરું છું. સત્તા મેળવીને જનતાની સેવા કરવાને કારણે બીજેપીને ઍન્ટિ-ઇન્કમ્બન્સી નડતી નથી.’