બિપરજૉયથી ડરીને બેસે એ બીજા , કચ્છીઓ નહીં એવા જ સંદેશ સાથે વાવાઝોડાનો હિંમતભેર સામનો કરવા તૈયાર છે કચ્છના માંડવી તાલુકાના દરિયાકિનારાનું કાંઠડા ગામ
કચ્છના કિનારાનાં ગામોમાંના લોકોને દેશપરની રાહતછાવણીમાં ખસેડવામાં આવ્યા છે. (ડાબે) ગઈ કાલે આ વૃદ્ધાને પણ ખાસ બસમાં અહીં લવાયાં હતાં. કાંઠડા ગામે પરિસ્થિતિને પહોંચી વળવા જેસીબી તૈયાર કરી રખાયું છે.
રાતભર જાગીને ચોકીપહેરો, રાહતકામ માટે તૈયાર, જેસીબી, ટ્રૅક્ટર ટ્રૉલી સહિતનાં સાધનો સાથે પૂરેપૂરી સજ્જતા
બિપરજૉય વાવાઝોડું આજે કચ્છમાં જે સ્થળે ટકરાવાની વાત થઈ રહી છે એ માંડવી તાલુકાના દરિયાકિનારાના કાંઠડા ગામના રહીશોએ ડરીને બેસી જઈએ તો ન ચાલે એવા મનસૂબા સાથે હિંમતભેર વાવાઝોડાનો સામનો કરવા તૈયારી કરી લીધી છે. એટલું જ નહીં, પરંતુ રાત વેરી હોઈ ગામના ભૂતપૂર્વ સરપંચ સહિત ૩૦થી ૪૦ લોકોએ રાતભર જાગીને ગામ માટે ચોકી-પહેરો કરીને ગામજનોની સલામતી માટે ઉજાગરા કર્યા હતા.
ADVERTISEMENT
ગામથી માંડ દોઢેક કિલોમીટર દૂર દરિયાકિનારો હોવાથી તેમ જ વાવાઝોડાને કારણે રાત વેરી હોઈ ગામના ભૂતપૂર્વ સરપંચ સહિત ૩૦થી ૪૦ લોકોએ રાતભર જાગીને ગામની સુરક્ષા અને સલામતી માટે ચોકી-પહેરો ભર્યો હતો. ગામના સોનલ શક્તિ ગ્રુપના સભ્યોએ રાહતકામ માટે તૈયારી કરી લીધી છે. બીજી તરફ, ગામજનોને રૅશન-પાણી ભરી લેવા સૂચના આપવામાં આવી છે તેમ જ જેસીબી–ટ્રૅક્ટર, ટ્રૉલી સહિતની સાધનસામગ્રી લાવી દઈને સંભવિત નુકસાની સામે સમજણપૂર્વકની બાથ ભીડવા ગામે તૈયારી કરી લીધી છે.
ગામના ભૂતપૂર્વ સરપંચ ભારમલ ગઢવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારું ગામ દરિયાથી દોઢેક કિલોમીટર દૂર છે. ગામની વસ્તી ૩૫૦૦ની છે. વાવાઝોડાને કારણે ગામના લોકોને જાગૃત કર્યા છે. દરિયા તરફ જવાની સખત મનાઈ કરી દેવામાં આવી છે. જુદા-જુદા સમાજના આગેવાનો સાથે બેઠક કરીને અગમચેતી રાખીને સાવધાનીનાં પગલાં ભર્યાં છે. વાવાઝોડાનો અમને ભય નથી, પણ વાવાઝોડાનો સામનો કેવી રીતે કરવો એની જાગૃતતા છે. ડરીને બેસી જઈએ તો વાવાઝોડાનો સામનો ન કરી શકીએ. વાવાઝોડાને કારણે રાત વેરી હોઈ ગામનો માછીમાર વિસ્તાર, મહેશ્વરીવાસ સહિતના વિસ્તારોમાં ૧૦–૧૫ જણના ગ્રુપમાં ગામના લોકોએ રાતભર જાગતા રહીને ચોકી કરી હતી, કેમ કે રખેને કંઈક થઈ જાય તો? સાવચેતીના ભાગરૂપે મારા સહિત ઘણા લોકો જાગ્યા હતા અને જુદા-જુદા વિસ્તારમાં આંટા માર્યા હતા.’
વાવાઝોડાને કારણે ગામમાં કેવી સાવધાની રખાઈ રહી છે એ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘કામ વગર ઘરની બહાર ન નીકળવાની સૂચના આપી છે. ઉપરાંત ગામમાં આઠ-દસ દિવસ ચાલે એટલું પાણી ટાંકાઓમાં ભરી લીધું છે. ગામના લોકોને ઘરમાં રૅશન-પાણીની વ્યવસ્થા કરી લેવા જણાવી દીધું છે. વાવાઝોડાને કારણે કદાચ ગામમાં મુશ્કેલી સર્જાય તો જેસીબી, લોડર, ટ્રૅક્ટર સહિતની સાધનસામગ્રી તૈયાર રાખવામાં આવી છે. અમારા ગામમાં સોનલ શક્તિ ગ્રુપ છે. એમાં બસો સભ્યો છે, તેઓ પણ ઍક્ટિવ થયા છે અને રાહતકામ માટે રેડી છે. જરૂર પડે તો જમવાનું બનાવવાનું કે રાહતકામ માટે જવું પડે તો આ સભ્યો તૈયાર છે.’
3500
માંડવી તાલુકાના કાંઠડા ગામની કુલ વસ્તી આટલી છે.