દર કલાકે નરેન્દ્ર મોદી અને અમિત શાહને આપવામાં આવતા હતા રિપોર્ટ
સાઇક્લોન સંકટ
નરેન્દ્ર મોદીને રિપોર્ટ આપતાં અમિત શાહ
ગુજરાત પર ત્રાટકનારા બિપરજૉય સાઇક્લોનની પળેપળની અપડેટ મળતી રહે અને એ અપડેટના આધારે આગળની સ્ટ્રૅટેજી નક્કી થઈ શકે એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કાર્યાલય છેલ્લા ચાર દિવસથી એટલે કે રવિવાર સવારથી કાર્યરત થઈ ગયું છે, જે ૨૪ કલાકની શિફ્ટમાં ચાલે છે અને દર એક કલાકે સાઇક્લોનનો રિપોર્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને આપવામાં આવે છે. બચાવકાર્ય માટે અત્યારે ગુજરાતના પ્રવાસે રહેલા પરષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે ‘સમયનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવ્યો અને ઝીરો કેઝ્યુલટીના અભિગમ સાથે ગુજરાત સરકારે કામ કર્યું જે સૌથી અગત્યનું છું. એકેએક વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ થયો અને કચ્છના અમુક વિસ્તારોમાં તો ચકલું પણ રહે નહીં એ રીતે કામ કર્યું, જેને કારણે હવે ચિંતા પ્રમાણમાં બહુ ઓછી છે.’
વડા પ્રધાનના કાર્યાલય પર શરૂ કરવામાં આવેલા બિપરજૉય ઇન્ફર્મેશન સેન્ટરમાં વીસથી વધુ વ્યક્તિને કામે લગાડવામાં આવ્યા છે, જે ગુજરાતના મુખ્ય પ્રધાન સહિત ૧૦ વ્યક્તિઓના સીધા સંપર્કમાં રહ્યા અને બચાવકાર્યનો આખો માસ્ટર પ્લાન તૈયાર કરી એને અમલમાં મૂકવામાં આવ્યો. એનડીઆરએફ અને એડીઆરએફની ૪૦થી વધારે ટીમની સાથે કચ્છમાં અત્યારે આર્મી પણ ઉતારી દેવામાં આવી, એની પાછળનું કારણ પણ આ ઇન્ફર્મેશન સેન્ટર રહ્યું છે. પરષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે ‘વાવાઝોડાની ચાલને સાચી નહીં માનીને જે ઍક્શન લેવામાં આવી એનું બહુ સારું પરિણામ મળશે. આર્થિક નુકસાનને પહોંચી વળાય, પણ જીવ બચેલો રહે એ જ અમારો હેતુ હતો.’